Mysamachar.in-જામનગર:
જામનગરના એક વેપારીએ પોલીસમાં એમ જાહેરાત કરી છે કે, પાછલાં પાંચ વર્ષ દરમ્યાન તેના ખુદના જ ભાગીદારે તેની સાથે દગો આચરી, ભાગીદારી પેઢીમાંથી રૂ. 6 69 કરોડથી વધુની રકમ સેરવી લીધી છે, આ ફરિયાદી ભાગીદાર અત્યાર સુધી ભરોસે બિઝનેસ કરી રહ્યા હતાં !
જામનગરના સરૂ સેકશન રોડ પર અંબાવિજય સોસાયટીમાં રહેતાં અને શિપિંગ તેમજ હોટેલ વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા 56 વર્ષના રાકેશભાઈ મણિલાલ બારાઈએ શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના જ ભાગીદાર વિજય મનોહર નારંગ વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવી છે.
આ ફરિયાદમાં જણાવાયું છે કે, ફરિયાદી તથા આરોપી વિજય નારંગ વરૂણ શિપિંગ કંપનીના ભાગીદાર છે અને સમજૂતી મુજબ કોઈ પણ એક ભાગીદારની સહીથી નાણાંકીય વ્યવહાર વખતે રકમ ઉપાડી શકાય એવી વ્યવસ્થાઓ હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે, તેઓ ફરિયાદી હોટેલનો પણ વ્યવસાય ધરાવે છે અને તેથી તેમણે મુંબઈ અને અમદાવાદ સહિતના શહેરોમાં વારંવાર મુસાફરી કરવી પડતી હોય, શિપિંગનો વહીવટ ભાગીદાર વિજય નારંગ હસ્તક રહેતો. ફરિયાદીએ કહ્યું છે: મેં ભાગીદાર પર ભરોસો રાખી કંપનીનું ચેકબુક સહિતનું બધું સાહિત્ય તેને સોંપી આપ્યું હતું.
તે દરમ્યાન, ભાગીદાર વિજય નારંગે કળા કરી. કંપનીના કર્મચારી તથા પરિવારના સભ્યોના અલગઅલગ બેંક એકાઉન્ટમાં અમુક રકમો જમા કરાવી લીધી. આ ઉપરાંત કંપનીના કર્મચારી નથી એવા કલ્પેશ મનસુખલાલ જડીયા અને પૂજા કલ્પેશ જડીયાના બેંક એકાઉન્ટમાં અલગઅલગ રકમો જમા કરાવી, કંપનીમાંથી કુલ રૂ. 6,69,14,605 ની રકમ, આ ફરિયાદી ભાગીદારની જાણ બહાર ઉપાડી લઈ વરૂણ શિપિંગ કંપનીમાંથી ઉચાપત કરી છે અને વિશ્વાસઘાત કરી, આ ઉચાપત થયેલી રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધી. અને ફરિયાદીએ આ રકમની ભાગીદાર વિજય નારંગ પાસે ઉઘરાણી કરી તો આરોપી વિજય નારંગે આ ફરિયાદી ભાગીદાર રાકેશભાઈ બારાઈને ધમકી આપી, આ મતલબની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 409 અને 506(2) મુજબ વિજય નારંગ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ફરિયાદને કારણે શિપિંગ સહિતના વેપારી વર્તુળમાં ચકચાર ઉઠી છે.


