Mysamachar.in-જામનગર:
31મી ઓક્ટોબરે જામનગરના હાઈ પ્રોફાઇલ યુવા નેતા-ઉદ્યોગપતિ વિરુદ્ધ દુષ્કર્મની એક ફરિયાદ દાખલ થાય છે, ફરિયાદની માહિતી દિવસો સુધી પોલીસ સ્ટેશનની ચાર દીવાલ બહાર આવતી નથી. અને, ફરિયાદના આઠ-દસ દિવસ બાદ કેટલીક વિગતો બહાર આવ્યા બાદ પણ, તહોમતદારને શોધી શકવામાં તંત્રને સફળતા મળતી નથી. પછી શરૂ થઈ આગોતરા જામીન માટેની વાતું….
આજે 12મી ડિસેમ્બર, ફરિયાદ દાખલ થયાને 42મો દિવસ, તપાસનીશ અધિકારી કહે છે: તપાસ ચાલુ…હાલ કોઈ વિગતો કહી શકું નહીં. બીજી તરફ, આ મામલામાં શું ચાલી રહ્યું છે, એ જાણવામાં જન જનને રસ પડી રહ્યો છે કેમ કે જન સામાન્યને ખ્યાલ હોય છે કે, હાઈ પ્રોફાઇલ કેસમાં શું શું થઈ શકતું હોય છે અને શું શું કરવામાં આવતું હોય છે.
આજે બપોરે Mysamachar.in દ્વારા આ મામલાની તપાસ ચલાવી રહેલાં પોલીસ ઈન્સ્પેક્ટર(સિક્કા) જે.જે.ચાવડાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો, વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા, અધિકારીનો ટૂંકો જવાબ એક જ હતો ‘તપાસ ચાલુ છે..વધુ વિગતો આપી નહીં શકું.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ તહોમતદારે રાજ્યની વડી અદાલતમાં જ્યારે આગોતરા જામીન અરજી કરી ત્યારે, અદાલતે તેને 10મી ડિસેમ્બરે પોલીસ સમક્ષ હાજર રહેવા કહેલું અને એમ પણ કહેલું કે, મોબાઈલ સાથે રાખવાનો. ત્યારબાદ આ તહોમતદારે સિક્કા પોલીસ સ્ટેશને દસમીએ હાજર થઈ પોતાના 4 નંગ મોબાઈલ પોલીસને આપી દીધાં છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આગોતરા જામીન અરજીની સુનાવણી સમયે વડી અદાલતે એમ પણ કહેલું કે, જો આ અરજદારની ધરપકડ કરવાના સંજોગો ઉભા થાય તો, પોલીસે તેને 7 દિવસનો સમય આપતી નોટિસ આપવાની રહેશે. આવી કોઈ નોટિસ આપવામાં આવી છે કે કેમ ? તે પ્રશ્નના જવાબમાં પણ અધિકારીનો જવાબ: તપાસનો મામલો છે, કાંઈ કહી નહીં શકું.
હવે જોવાનું એ રહે છે કે, પોલીસ તપાસ દરમ્યાન તહોમતદારના ચાર મોબાઈલમાંથી કશું નીકળે છે કે, મોબાઈલમાં આ કેસ સાથે સંકળાયેલું કશું જ વાંધાજનક મળી આવ્યું નથી- એમ જાહેર થાય છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં એમ લખાવેલું છે કે, ચોક્કસ ફોટા અને વીડિયોઝના આધારે તેણીને બ્લેકમેલ કરવામાં આવી છે અને એ રીતે ‘વારંવાર’ શરીરસંબંધ બાંધવામાં આવ્યો હતો.


