Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી “લાવ લાવ” પ્રથા વધી ગઈ છે, ચારેબાજુથી “લાવ લાવ” નો વ્યાપ એટલો વધી ગયો છે કે હવે અધિકારીઓ કંટાળી ગયા હોવાનું સુત્રો જણાવે છે, એક ચોક્કસ મર્યાદા વટાવી અને લઇ લેવાની વૃતિ અને ચુંટણી આડે હવે થોડો જ સમય છે ત્યારે પાકમાં જે રીતે લણણી કરવાની મોસમ હોય તેમ અત્યારે જામનગર મનપામાં લગત સૌ કોઈ લણણીમાં લાગી પડ્યા હોય કેટલાક અધિકારીઓનો રીતસરનો ખો નીકળી ગયાનું જાણવા મળે છે.
એક બાદ એક મુખ્ય અધિકારીઓને રૂબરૂમાં અથવા વોટ્સએપ કોલ દ્વારા ખાસ પેકેજ વાળી વાત હવે કેટલાક અધિકારીઓથી સહન થાય તેમ ના હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ એકાદ પદાધિકારી ઉપરાંત આરટીઆઈ એક્ટીવીસ્ટ અને કહેવાતા પત્રકારોના ત્રાસથી માસ સીએલ પર ઉતરી જવાની ફરજ પડી હતી અને વડોદરા મનપાનો વહીવટ બે દિવસ સુધી ભાંગી પડ્યો હતો જે બાદ કમિશનરે નારાજ અધિકારીઓ સાથે બેઠક કરતા માંડ મામલો થાળે પડ્યો હતો
હવે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની જેમ જામનગર મહાનગરપાલિકામાં પુનરાવર્તન નહિ પણ અધિકારીઓ લડી લેવાના મુડમાં હોવાનું મનપાના આધારભૂત સુત્રો જણાવે છે અને જામનગર મહાનગરપાલિકામાં કેટલાક નેતાઓ, કેટલાક કોર્પોરેટરો, કેટલાક આરટીઆઈ એક્ટીવીસ્ટ, અને કહેવાતા પત્રકારોનો જો ત્રાસ સહન નહિ થાય તો અધિકારીઓએ સામુહિક રાજીનામાં આપવા સુધીની તૈયારીઓ કરીં લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે કારણ કે અધિકારીઓના ખભાનો ઉપયોગ કરીને કોન્ટ્રાકરો પર નિશાન તાકીને નીકળે એટલો “લાભ” કઢાવી લેવામાં ઓતપ્રોત થતા અધિકારીઓને નાકે દમ આવી ગયો છે અને હવે સહનશક્તિની સીમાઓ પૂર્ણ થતા કેટલાક અધિકારીઓ પણ પોતાનો રંગ બતાવી દેવાના મુડમાં છે જો આવું થશે તો શહેરના વહીવટનું શું થશે….? અને રાજ્ય આખામાં જામનગર મનપાની બદનામી થશે તે અલગ..
કોઈ પણ કામ હોય સફાઈ, ભૂગર્ભ ગટર, પેચવર્કના, બ્રીજોના નિર્માણ, બાંધકામ કામો કે પછી કોઈ પણ વિકાસના કામોમાં “મને શું અને મારું શું” સૌ લગત કરવા લાગે છે તેથી અધિકારીઓને નાકે પાણી આવી ગયું છે એક હદ સુધી બધું બરોબર હતું પણ હવે મર્યાદાઓ ઓળંગીને લઇ લેવાની લહાય પક્ષને પણ બદનામ કરશે જો અધિકારીઓ સામે આવીને ખુલ્લા થશે
ના માત્ર “લાવ લાવ” પણ પોતાના ટેકેદારોને કોન્ટ્રાકટ બેઝ નોકરી, વિવિધ કામો અપાવવા, અને ચોક્કસ જગ્યાએથી ચોક્કસ ખરીદી કરવા માટે પણ અધિકારીઓને દાબ આપવામાં આવે છે.અને એ બધું પણ ઝપાટે…. તો કેટલાક કોર્પોરેટરો અને સંગઠન પાંખ સાથે જોડાયેલ નેતાઓ પોતાના “કામો” પોતે હોય કે ના હોય થવા જોઈએ તેવી જીદ પકડીને બેસી જાય છે. અને અધિકારીઓને જે રીતે દબડાવે તે વાત આવતા દિવસોમાં આક્રમક સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં..
_Jmc માં કેટલાક ઠેકેદારો પણ ઓબા પોકારી ઉઠ્યા….
થોડા સમય પૂર્વે એવું બન્યું હતું કે જિલ્લા પંચાયતમાં એક પદાધિકારીએ એવો કહેર વર્તાવ્યો હતો કે કેટલાક સમય સુધી કોન્ટ્રાક્ટરોએ જિલ્લા પંચાયતમાં પગ ન મૂકી કામ પડતું મૂકવાનું મુનાસીબ સમજ્યું હતું કારણ કે ત્યાં પણ આવી જ સ્થિતિ હતી આવી જ સ્થિતિ જામનગર મનપામાં થાય તો વિચારો કે તમામ કેવા ખોરંભે ચઢી જાય એક તો ડાઉન માં ટેન્ડર ભરવાના અને લટકામાં નેતાઓની ટપકતી મધલાળ….
-કેટલાય કોર્પોરેટર કમ કોન્ટ્રાકટર તો કેટલાક પક્ષના હોદેદારોનું પણ ગોઠવાયેલું
જામનગર મનપામાં કેટલાક કોર્પોરેટરો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ને કોઈ વિકાસકામોમાં જોડાયેલ છે અને તેવો જે તે કોન્ટ્રાકટર સાથે ભાગીદારી કરી અને લાભો લે છે, અરે ના માત્ર કોર્પોરેટરો પણ પક્ષ સાથે જોડાયા છીએ તો કઈક લાભ મળે તેવા ઉતમ હેતુથી કેટલાક પક્ષના નેતાઓ પણ કોઈને કોઈ કામોમાં પ્રત્યક્ષ પણ જોડાયેલ છે.


