Mysamachar.in-જામનગર:
બુલડોઝરથી પાડતોડ હંમેશા ધ્યાન ખેંચનારી બાબત હોય છે. પરંતુ ક્યારેક બુલડોઝર ન્યાય ‘મનમાની’ પણ હોય શકે છે, અથવા કામગીરીઓમાં પક્ષપાત પણ હોય શકે છે. જામનગરની 27 વર્ષ અગાઉની એક પાડતોડ હાલ ચર્ચાઓમાં છે. કારણ એ છે કે, આ પાડતોડ ખુદ ગેરકાયદેસર ઠરી અને આવી પાડતોડ કરવા બદલ એક તત્કાલીન અધિકારી ફસાયા છે.
જામનગરના ઢીંચડા વિસ્તારમાં જે અગાઉ જામનગર તાલુકાનું એક ગામ હતું ત્યાં 88,676 ચોરસફૂટમાં પથરાયેલી એક જમીન જેતે સમયે જિલ્લા પંચાયત દ્વારા બિનખેતી કરવામાં આવ્યા બાદ આ જમીન પર ટ્રાન્સપોર્ટ ગોદામ બનાવવા બાંધકામ મંજૂરીઓની પ્રક્રિયાઓ થઈ હતી.
તે સમયે જામનગર વિસ્તાર વિકાસ સતામંડળે આ જમીનના આસામી પાસેથી બાંધકામ મંજૂરીઓ સંબંધેનો ચાર્જ વસુલ કર્યો હતો પરંતુ નિયત સમયમર્યાદામાં ‘આ બાંધકામ મંજૂરી અરજી નામંજૂર કરવામાં આવે છે’ એવો નિર્ણય જાહેર કર્યો નહીં. આથી જોગવાઈ અનુસાર, પ્રોવિઝનલ રજાચિઠ્ઠી બાંધકામ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ, તંત્રએ એક માસની નોટિસ આપવી ફરજિયાત હોવા છતાં, નોટિસ આપ્યા વગર બાંધકામ બંધ કરવાની સૂચના આપી. આવું બાંધકામ દૂર કરવાનો કોઈ જ બંધારણીય ઠરાવ ન કરવામાં આવ્યો હોવા છતાંયે ‘જાડા’ના તત્કાલીન TPO અજિતસિંહ ઝાલાએ આઠ દિવસની નોટિસ આપી, બીજા જ દિવસે રાત્રે આઠ વાગ્યે પોલીસ, બુલડોઝર અને અન્ય 14 માણસો સાથે રાખી જમીનમાલિકોની સંમતિ કે લેખિત જાણ વગર જ આ બાંધકામ તોડી પાડ્યું.
બાદમાં જમીનમાલિકે જામનગરની ટ્રાયલ કોર્ટમાં દાવો દાખલ કર્યો. અદાલતે દાવો રદ્દ કર્યો. બાદમાં આ ચુકાદા વિરુદ્ધ આસામીએ અપીલ દાખલ કરી. 29-11-2025ના રોજ આ અપીલ માન્ય રહી. અદાલતના આદેશ મુજબ હવે ‘જાડા’ એ આ આસામીને નુકસાન પેટે રૂ. 8,28,300 ચૂકવવાના થશે. 1998થી વસુલાત થતાં સુધીનું 6 ટકા વ્યાજ પણ ચૂકવવાનું થશે. આ મામલામાં અજિતસિંહ ઝાલાની અંગત જવાબદારી ઠેરવવામાં આવી અને આ રકમ ‘જાડા’એ એમની પાસેથી વસુલી આસામીને આપવાની રહેશે. આ કેસમાં સિનિયર વકીલ ડી.બી.પંડ્યા અને તેમની સાથે જી.ડી.પંડ્યા એસોસિએટ્સ જોડાયા હતાં.


