Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસે ખુદ ફરિયાદી બની, બેંકખાતાંનો ઉપયોગ કરીને નાણાંકીય વ્યવહારોમાં ગેરરીતિઓ આચરવા બાબતે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જો કે ગુનો ઘણાં મહિનાઓ અગાઉ બન્યાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદ રાજ્ય સરકારના ઓપરેશન મ્યુલ હંટ અનુસંધાને દાખલ થઈ છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સરકાર વતી ફરિયાદી બની પોલીસ હેડ કોન્સ્ટેબલ યજુવેન્દ્રસિંહ વાળાએ એવી ફરિયાદ દાખલ કરી છે કે, આ ગુનાનો એક આરોપી પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપે છે અને અન્ય એક આરોપી કુંડાળાઓ આચરવા કમિશન આપી બેંક એકાઉન્ટ ભાડે મેળવે છે અને આ બેંક એકાઉન્ટ મારફતે નાણાંની ગેરકાયદેસર હેરાફેરી કરે છે.
આ ફરિયાદમાં જણાવાયું છે કે, જામનગરના જૂના નાગના ગામના પ્રકાશ નાથા ડાભીએ પોતાના 2 બેંક એકાઉન્ટ (નવાનગર બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા) કમિશનના બદલામાં ભાડે આપ્યા હતાં. આ મામલો ઓક્ટોબર-2024 આસપાસ બનેલો. આ બંને બેંક એકાઉન્ટ કિશન વાઢેર (લીમડા લાઈન) નામના શખ્સે ભાડે રાખી આ એકાઉન્ટ્સમાં ગેરકાયદેસર રીતે નાણાંની હેરાફેરી કરી છે. આ બંને શખ્સોએ આ કુંડાળા મારફતે રૂ. 18.39 લાખની ‘ચોરી’ની કહી શકાય એવી રકમ અંગત ઉપયોગમાં લઈ ગુનો આચર્યો છે.
પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ BNSની કલમ-317(2) તથા 61(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ શખ્સોએ આ નાણાંકીય કુંડાળાઓ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની અનુપમ ટોકીઝ શાખામાં તથા નવાનગર બેંકની ગુલાબનગર શાખામાં કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.


