Mysamachar.in-ગાંધીનગર:
સ્કૂલના મેદાનમાં શિક્ષકો, આચાર્યો, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને રાજકીય નેતાઓ કતારમાં ઉભા રહી ફોટોસેશન કરાવે, વીડિયોસેશન કરાવે, શાળામાં પ્રવેશ લેતાં ભૂલકાંઓના કપાળે તિલક કરે, મોઢા મીઠા કરાવે, નાનકડી ભેટ પણ આપે અને સૌ હરખાઈ ઉઠે કે, અમે કંઈક પરાક્રમ કરી રહ્યા છીએ. પરંતુ શાળા પ્રવેશોત્સવના નામે દર વર્ષે આયોજિત થતાં, આ નાટકોની અસલિયત લોકસભામાં ઉઘાડી પડી ગઈ…સરકારે જાહેર કરેલાં આંકડા અનુસાર, ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે.
કેન્દ્ર સરકારે લોકસભામાં આંકડા જાહેર કર્યા. આ આંકડાઓ કહે છે: એક જ વર્ષમાં ભારતમાં 65 લાખ વિદ્યાર્થીઓએ શાળાને બાય બાય ટાટા કરી દીધું. જેમાં ગુજરાતનો આંકડો 2.40 લાખ છે. ગુજરાતના ડ્રોપઆઉટ રેટમાં 341 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો. બીજી તરફ સર્વ શિક્ષા અભિયાન પાછળ ગુજરાત સરકાર અબજો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જો કે વર્ગખંડની અને શિક્ષકોની ઘટ છે, એ પણ નોંધનીય છે. જે વિદ્યાર્થીઓએ શાળાઓ છોડી દીધી છે, તેમાં અડધાં જેટલી સંખ્યા વિદ્યાર્થીનીઓની છે. તેનો અર્થ એ થઈ શકે કે, કન્યા કેળવણીને પણ ઝટકો લાગી રહ્યો છે. અસંખ્ય કન્યાઓ શિક્ષણથી વંચિત રહે છે.
ગુજરાતમાં એક જ વર્ષમાં જે 2.40 લાખ વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે તેમાં બાળાઓની સંખ્યા 1.10 લાખ છે. તેનો એક અર્થ એ પણ થઈ શકે કે, પ્રવેશ ઉત્સવ ભલે ઉજવાતા રહે પણ વિદ્યાર્થીઓને શાળા છોડતાં અટકાવી શકાયા નથી. પરિવારોનું સ્થળાંતર, ગરીબી, બાળકો પરની ઘરની જવાબદારીઓ, બાળમજૂરી જેવા વિવિધ કારણોસર છાત્રો તથા છાત્રાઓ શિક્ષણ છોડી રહ્યા છે. આ સ્થિતિઓમાં સર્વ શિક્ષા અભિયાન કે 100 ટકા સાક્ષરતાના હેતુ કેવી રીતે સિધ્ધ થઈ શકે ? એ પ્રશ્ન થઈ શકે.


