Mysamachar.in-જામનગર:
જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાનું ગૌરવ અવારનવાર અનુભવે છે અને જ્યારે જ્યારે રાજ્યના આરોગ્યમંત્રી જામનગર પધારે છે ત્યારે, પત્રકારો સમક્ષ મીઠડી વાતો કરતાં રહે છે, રાજ્યના આરોગ્ય કમિશનર પણ જામનગર આવે ત્યારે મોટી મોટી ફેંકતા હોય છે. પરંતુ દીવા જેવી સ્પષ્ટ હકીકત એ છે કે, કોઈને પણ જીજી હોસ્પિટલની અને એ રીતે લાખો લોકોની આરોગ્ય સેવાઓ અને સુવિધાઓની દરકાર નથી- જીજી હોસ્પિટલમાં કાર્ડિયાક( હ્રદયરોગ સંબંધિત) પ્રોસિજર માટેની સુવિધાઓ જ નથી ! લાખો લોકો ખાનગી હોસ્પિટલોના ભરોસે.
જામનગરમાં છેલ્લા એક જ મહિનામાં PM-JAY યોજનામાં કાર્ડિયાક પ્રોસિજર મામલે 2 મોટાં કૌભાંડ બહાર આવી ગયા. JCC હાર્ટ ઈન્સ્ટીટયૂટ અને ઓશવાળ આયુષ હોસ્પિટલ પર કાયમને માટે કલંક ચોંટી ગયું. સરકારે PM-JAY યોજના તો જાહેર કરી દીધી પણ, જીજી હોસ્પિટલને કાર્ડિયાક પ્રોસિજર સુવિધાઓ આપી નહીં. આથી ખાનગી હોસ્પિટલોને કમાણીની તક પણ મળી અને કૌભાંડ આચરવાની સગવડ પણ મળી ગઈ.
જામનગરનું PIU project implement unit કરોડો રૂપિયાના ખર્ચથી જીજી હોસ્પિટલ સંકુલમાં ઈમારતો ખડકવાના મુદ્દે જાણીતું છે. જેમાં રાજ્ય સરકારને પણ મજા આવી રહી છે. પરંતુ જીજી હોસ્પિટલમાં કાર્ડિયાક લેબોરેટરી અને કાર્ડિયાક પ્રોસિજર માટેની કેથલેબ બનાવવાનું આટલાં વર્ષો દરમ્યાન ન જામનગરને સૂઝયુ, ન ગાંધીનગરને આ ઈચ્છા થઈ ! જેને કારણે હ્રદયરોગના હજારો દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ચિરાવાના ચાલુ છે !
આ બાબતે મેડિકલ કોલેજના ડીન શું કહી રહ્યા છે ?…
આ સમગ્ર વિષય અંગે આજે સવારે Mysamachar.in દ્વારા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એમનો ફોન નેટવર્કમાં ન હતો. આથી મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો.
ડીનના જણાવ્યા અનુસાર, હાલ જીજી હોસ્પિટલ ખાતે કાર્ડિયાક પ્રોસિજર માટેની લેબોરેટરી કે કેથલેબ સુવિધાઓ ઉપલબ્ધ નથી. હોસ્પિટલની પાડતોડ ચાલી રહી છે, નવી ઈમારતો બની રહી છે. નવી ઈમારતમાં કાર્ડિયાક પ્રોસિજર સુવિધાઓ વિકસાવવા અંગે પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્ડિયાક યુનિટ આશરે રૂ. દસેક કરોડના ખર્ચ આસપાસ શક્ય બની શકે.
જામનગરના લોકોની જાણ ખાતર જીજી હોસ્પિટલ કરોડો રૂપિયાના ખર્ચથી એવા યંત્રો વસાવે છે, જે ટૂંકા સમયમાં બગડી જવાના બનાવો બને છે, મહિનાઓ સુધી આ યંત્રો બંધ રહે છે, લાખો દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ કાર્ડિયાક પ્રોસિજર સુવિધાઓ માટેનું આ યંત્ર અત્યાર સુધી વસાવ્યું નહીં ! આ સમયગાળા દરમ્યાન જીજી હોસ્પિટલમાં ઈમારતો વગેરે માટે કરોડો રૂપિયાના ખર્ચ થયા છે- જે રાજ્યની આરોગ્ય નીતિ દેખાડતો અરીસો છે પરંતુ કોઈને આ ચિંતાઓ થઈ નહીં !


