Mysamachar.in-જામનગર:
દેશભરના તમામ નાગરિકોને હ્રદયરોગ સહિતની જિવલેણ બિમારીઓમાં આશિર્વાદરૂપ ઢાલ બનતી યોજના PM-JAY ખૂબ સારી હોવા છતાં તેનું અમલીકરણ એવી રીતે ‘ગોઠવવા’માં આવ્યું છે કે, આ યોજનાના ગેરલાભો મેડિકલ માફિયાઓ પ્રાપ્ત કરી શકે છે, કરી રહ્યા છે. જામનગરમાં એક જ મહિનામાં આવું બીજું તોતિંગ કૌભાંડ ‘જાહેર’ થઈ જતાં સનસનાટી મચી ગઈ છે.
જામનગરમાં એક મહિનાના સમયગાળા દરમ્યાન JCC હાર્ટ ઈન્સ્ટીટયૂટને કાયમી કાળી ટીલી લાગી ગયા બાદ હવે, ઓશવાળ આયુષ હોસ્પિટલને પણ કાળી ટીલી લાગી ગઈ છે. ગત્ રોજ શુક્રવારે બહાર આવી ગયું કે, આ હોસ્પિટલમાં પણ મેડિકલ માફિયાગીરી ચાલી રહી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ હોસ્પિટલ સંચાલકો પ્રચાર અને જાહેરાતોમાં છૂટા હાથે નાણાં વેરવાના મુદ્દે જાણીતા છે. આ જૂથ સમગ્ર સૌરાષ્ટ્રમાં નેટવર્કિંગ ધરાવે છે.
ઓશવાળ આયુષ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિઓ અને કૌભાંડ ચાલી રહ્યું હોવાની વિગતો બહાર આવી ગઈ છે. આ હોસ્પિટલે સરકારને રૂપિયા સવા કરોડથી વધુની રકમ ‘દંડ’ તરીકે આપવી પડશે એવો સરકારી આદેશ થયો છે પરંતુ હોસ્પિટલ સંચાલકો ચતુર હોય સરકારની સામે નહોર ભરાવવાની તૈયારીઓ કરી ચૂક્યા છે.
આ હોસ્પિટલને હાલ સરકારની PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરી નાંખવામાં આવી છે. આ હોસ્પિટલના કાર્ડિયાક પ્રોસિજર વિભાગના ડો. શ્રીપદ ભાવિસ્કરને પણ સસ્પેન્સન ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે. અહીં મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે, ઓશવાળ આયુષ હોસ્પિટલના સેન્ટર હેડ દેવેન્દ્રસિંહ ઝાલા એવો દાવો કરે છે કે, તમામ પ્રોસિજર નિયમો અનુસાર કરવામાં આવી છે. સંબંધિત સત્તાવાળાઓ એટલે કે એપ્રુવલ કમિટી અને સરકારની પણ મંજૂરીઓ બાદ જ બધી પ્રોસિજર થઈ છે, ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે, આ મંજૂરીઓ આપતી કમિટી એટલે કોણ ? આ કૌભાંડ થયું એ દરમ્યાન આ કમિટીએ શું ભૂમિકાઓ ભજવી ?
જામનગરમાં એક જ મહિનામાં આ યોજનામાં 2 મોટાં કૌભાંડ બહાર આવી જતાં તબીબી આલમમાં સોપો પડી ગયો છે અને સરેરાશ નગરજનના મનમાં પ્રશ્ન એ પણ છે કે, હજુ પણ જામનગરમાં આ પ્રકારના કેટલાં મેડિકલ માફિયાઓ ‘જાહેર’ નથી થયા, બધી જ સંબંધિત હોસ્પિટલોમાં કૌભાંડ ચાલી રહ્યા છે ?! એ પણ નોંધનીય છે કે, આવા કૌભાંડ આખા ગુજરાતમાં ચાલે છે. આ પ્રકારની કાર્યવાહીઓ દારૂ-જૂગારના રૂટિન કેસ જેવી તો નથી ને ? એવો પ્રશ્ન પણ લોકો પૂછી રહ્યા છે.





