Mysamachar.in-ગુજરાત:
જાણકારોને ખ્યાલ હશે જ કે, દરેક કામમાં લાંચના ભાવ એટલે કે ટકાવારી ફીક્સ હોય છે, કોઈ પણ લાંચખોર આડેધડ લાંચ માંગતો (કે માંગતી) નથી. લાંચને પોતાનું એક ગણિત હોય છે. આવો વધુ એક મામલો બહાર આવ્યો છે.
ગત્ રોજ ગુજરાત ACB એ 3 અલગઅલગ કેસમાં 3 લાંચખોર સરકારી કર્મચારીઓને ઝડપી લીધાં છે, જે પૈકી 2 મામલામાં લાંચની રકમ રાઉન્ડ ફીગરમાં છે, પણ એક મામલામાં કામ ઈમાનદારીથી થયું છે, ભાવતાલ મુજબ જ લાંચ લેવામાં આવી છે, લાંચ લેનારે રાઉન્ડ ફીગરની લાલચ દેખાડી નથી. વે’વારી થતી હતી એટલી જ લાંચ લીધી.
લાંચનો એક મામલો ડાંગનો, બીજો મામલો ભરૂચનો અને ત્રીજો મામલો સુરતનો છે. ડાંગના મામલામાં સુબીર તાલુકા પંચાયત કચેરી ચિત્રમાં છે. અહીં ‘મનરેગા’ યોજના હેઠળ નોકરી કરતાં 2 કર્મચારીઓ, ગ્રામસેવિકા અનસૂયા પટેલ અને હેમંત પટેલ ACBના હાથમાં ઝડપાઈ ગયા છે. જમીન લેવલિંગના કામની ફાઈલ મંજૂર કરવા આ ‘જોડી’એ ફીક્સ રૂ. 32,800ની લાંચ માંગી. (રાઉન્ડ ફીગરમાં 33,000 માંગવાની લાલચ ન રાખી, હિસાબ મુજબ જ લાંચ) બંનેને લાંચ લેતાં ઝડપી લેવામાં આવ્યા છે.
બીજો મામલો ભરૂચનો છે. જે જંબુસર પોલીસ સ્ટેશનનો છે. હેડ કોન્સ્ટેબલ નારણ વસાવા લાંચના છટકામાં ઝડપાઈ ગયો છે. તેણે ફરિયાદીને હેરાન ન કરવા બદલ અને કેસને ‘ઉભો’ રાખી દેવાના બદલામાં રૂ. 75,000ની લાંચ લીધી.
ત્રીજો મામલો સુરતનો છે. અહીંની વીજકંપની DGVCLમાં વીજળીનું કોમર્શિયલ જોડાણ મેળવવાના એક મામલામાં રૂ. 70,000ની લાંચની માંગણી થયેલી. લાંચના આ છટકામાં સિનિયર ક્લાર્ક સંતોષ સોનવણે અને લેબર કોન્ટ્રાકટર ભરત સાવલિયા એમ બે શખ્સ ઝડપાઈ ગયા છે. આ 3 પ્રકરણમાં કુલ 5 ની ધરપકડ થઈ છે.


