Mysamachar.in-
શૈક્ષણિક સંસ્થાઓમાં નશામુક્તિ અભિયાનોનો પુષ્કળ પ્રચાર, પોલીસ અધિકારીઓ અને નેતાઓના ‘સારાં’ નિવેદનો- એ બધી જ બાબતોનો છેદ ઉડાવી દીધો, ગુજરાતના ડ્રગ્સના આંકડાઓએ ! ગુજરાત ઉડતા ગુજરાત બની ચૂક્યું છે, માફિયાઓ સુધી પહોંચી શકાયું નથી.
વર્ષ 2018માં ગુજરાતમાં જેટલું ડ્રગ્સ ઝડપાયું તેના કરતાં બમણું ડ્રગ્સ 2022માં ઝડપાયું. મતલબ, મોતના સોદાગરો કોઈથી ડરતાં નથી અને માસ્ટર માઇન્ડ કોણ છે, એ કોઈને ખબર નથી ! ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જે લોકો ઝડપાઈ રહ્યા છે, એ પરચૂરણ અબ્દુલો અને કિશનો છે. મોટાં માથાંનું એક પણ નામ અત્યાર સુધીમાં જાહેર થયું નથી. અબજો રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે, મંગાવે છે કોણ ? કોઈને ખબર નથી.
ગુજરાતના બધાં જ શહેરો અને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ ડ્રગ્સ શરાબની સાથે હરીફાઈ કરી રહ્યું છે.દરેક જગ્યાઓ પર પરચૂરણ પેડલર ઝડપાઈ રહ્યા છે તેનો મતલબ વિતરણ વ્યવસ્થાઓ માટે વિશાળ નેટવર્કિંગ છે, બંધાણીઓ કોણ છે, તેઓ આ વ્યસન માટેના નાણાં કયાંથી મેળવે છે, ડ્રગ્સની ડિલેવરી કેવી રીતે થઈ રહી છે, આ છૂટક વેચાણકાર પેડલરના મોબાઈલ ફોનમાં કોના કોના નંબર સેવ છે, આ નંબરધારકો ઝડપાઈ ગયા ? અને ડ્રગ્સના હોલસેલ વેપારીઓ કોણ- એ કદાચ કયારેય બહાર નહીં આવે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ખુલાસા મુજબ, દર વર્ષે ગુજરાતમાં ઝડપાઈ જતાં ડ્રગ્સનો જથ્થો વધી રહ્યો છે. 2018 થી 2022 દરમ્યાન રાજ્યમાં કુલ 91,453 કિલો ડ્રગ્સ ઝડપાઈ ગયું. શરાબની માફક ન ઝડપાયું હોય એવા ડ્રગ્સનો જથ્થો કેટલો ? કુલ કેટલાં અબજનો વેપાર ? આ કાળુ નાણું ક્યાં ક્યાં પહોંચે છે?! અને, સૌથી મહત્વપૂર્ણ બાબત એ કે- ડ્રગ્સનું દૂષણ દૂર કરશે કોણ ?


