Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વધુ વેગ આપતાં 146 જેટલા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિની નિયમિત સમીક્ષા માટે સમયાંતરે રિવ્યુ મીટિંગ યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. ગતરોજ ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કુલ રૂ.11,360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હતી.
રાજ્યના આવા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષાના ઉપક્રમોમાં અત્યાર સુધી ત્રણ સમીક્ષા બેઠકો યોજેલી છે. આ બેઠકોમાં 67 જેટલા પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગે તેમણે કરેલા સૂચનોના સંદર્ભમાં સંબંધિત વિભાગોએ કરેલી કામગીરીનો પણ વિશદ વિચાર વિમર્શ આ ચોથી સમીક્ષા બેઠકમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટ્સ તેની નિર્ધારિત સમય મર્યાદામાં પૂરા થાય તથા ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય તે સુનિશ્ચિત કરવાની સ્પષ્ટ સૂચનાઓ બેઠકમાં આપી હતી. એટલું જ નહીં તેમણે રેલવે સંબંધિત પ્રોજેક્ટ્સમાં જમીનને સ્પર્શતા પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આપવા આ બેઠકમાં મહેસુલના અધિક મુખ્ય સચિવને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગઈકાલે કરેલ રાજ્યના મહત્વના પ્રોજેક્ટની સમીક્ષામાં જામનગર લાલપુર બાયપાસ જંક્શન પરના સિક્સ લેન ફ્લાયઓવર બ્રિજની સમિક્ષા કરી હતી અને પ્રોગ્રેસ રીપોર્ટ મેળવ્યો હતો ઉપરાંત સુરત મહાનગરમાં બી.આર.ટી.એસ. ક્રોસિંગ ઉપરના ફોર લેન ફ્લાય ઓવર બ્રીજની પ્રગતિની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી. જૂનાગઢ શહેરના અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી અંગે પણ શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નારસને વિગતો આપી હતી.
-મુખ્યમંત્રીએ જામનગરના જે પ્રોજેક્ટની સમિક્ષા કરી તે છે શું…?
લાલપુર બાયપાસ વિસ્તારમાં હજારો અને તોતિંગ વાહનોની મોટી અવરજવરને કારણે અતિ વ્યસ્ત વાહનવ્યવહાર ધરાવે છે. અહી 1,000 મીટર લાંબા અને 24 મીટરની પહોળાઈ તો 5.50 મીટરની ઊંચાઈ ધરાવતા આ ફ્લાયઓવરની કામગીરી સતત ને સતત આગળ વધી રહી છે.
આ ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ થવાનો સમયગાળો 24 માસ નક્કી કરવામાં આવ્યો હતો પણ આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની મુદત 31 માર્ચ 2026 અંદાજવામાં આવી છે. આ બ્રિજનું કામ પૂર્ણ થઇ જતા આ બ્રિજ લોકઉપયોગી બની જશે
આ બ્રીજ પર પસાર થવા માટે GSRDC ના હાઈવે પર બનતા બ્રીજોના નવા સૂચનો પ્રમાણે 6 લેન હશે, તેમ જાણવા મળે છે, જો કે મનપાએ આ પ્રોજેક્ટ મંજુર કર્યો ત્યારે ત્યાં 4 લેન દર્શાવવામાં આવ્યું હતું અને પ્રોજેક્ટની કુલ કોસ્ટ 65 કરોડ દર્શાવવામાં આવી હતી જો કે હવે 4 લેનને બદલે 6 લેન બ્રીજ બનશે





