Mysamachar.in-જામનગર:
રાજ્યના ગૃહ મંત્રાલય હેઠળનું હોમગાર્ડ્સ દળ સેવાઓ અને સુરક્ષા માટે રચવામાં આવેલું સંગઠન છે, જે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ વિભાગને સહયોગ આપે છે, પણ કમનસીબ બાબત એ છે કે, રાજ્યભરમાં સ્થાનિક સ્તરે આ દળમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ, ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર તથા ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સમયાંતરે જાહેર થતું રહે છે જે ગંભીર ચિંતાઓનો વિષય લેખાવી શકાય. જામનગર હોમગાર્ડ્સ પણ અનેક વખત ખરાબ રીતે સમાચારમાં ચમકે છે, વધુ એક વખત આમ બન્યું.
જામનગર હોમગાર્ડ્સના જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ એક હુકમ બહાર પાડ્યો છે. આ હુકમ અનુસાર, હોમગાર્ડ્સના 9 સભ્યોની ‘નોકરી’ ઝૂંટવાઈ ગઈ છે. આ બરતરફ કરાયેલા સભ્યોને સતત અનિયમિત રહેવાના કારણોસર તથા ગંભીર ગુનાઓમાં સંડોવણી બદલ આ સજા આપવામાં આવી છે.
જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કચેરીની યાદી અનુસાર, આ 9 સભ્યોમાં કાલાવડના દેવજી માટીયા, અલી કાજી અને કપિલ સાગઠીયા, જોડીયાના અજય વ્યાસ અને કુંદન સોલંકી, સિક્કાના લલિત ડાભી અને ગોપાલ રાઠોડ, જામનગરના અજય ઢાપા, લાલપુરના સુભાષ ચાવડાનો આ 9 માં સમાવેશ થાય છે. આ 9 સભ્યોને યુનિટમાં રાખવા જરૂરી ન હોય, યુનિટ ઓફિસરના રિપોર્ટના આધારે આ હુકમ કરવામાં આવ્યો છે.


