Mysamachar.in-
સમગ્ર એશિયા ખંડમાં એશિયાટીક સિંહ માત્ર આપણી પાસે, ગીરના જંગલમાં છે- એ બાબતે સૌ સંબંધિતો ખુદની પીઠ ખુદના હાથે થપથપાવતા રહે છે, એ જો કે અલગ મુદ્દો છે પણ રેકર્ડ પરની વરવી હકીકત એ છે કે, માણસે સિંહના ઘરમાં કબજો જમાવી દીધો હોય, બિચારા સિંહ પોતાના વતનમાં બેઘર બની ગયા છે અને જંગલની બહાર જવા મજબૂર બની ગયા છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, ગીરના જંગલમાં ધંધાર્થીઓએ આડેધડ રીતે 300 જેટલાં રિસોર્ટ્સ ખડકી દીધાં છે. આ બધું બની ગયું ત્યાં સુધી વનવિભાગ અને સરકાર ખભે બંદૂક રાખી સફારી વાહનમાં, જંગલમાં આંટા લગાવતા રહ્યા ?! પછી ઈમ્પેક્ટ ફી માફક સરકારે વચલો રસ્તો શોધી કાઢ્યો…આડેધડ ખડકાયેલા રિસોર્ટ્સ ‘નિયમિત’ કરી આપવા ! આ પરિપત્ર ગત્ ફેબ્રુઆરી માસમાં થયેલો. પછી જો કે આ દિશામાં કશું જ થયું નથી. આ પરિપત્રનો એક અર્થ એ પણ કરી શકાય કે, શહેરોમાં ‘જે રીતે’ તંત્રના નાક નીચે ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ જતાં હોય છે એ રીતે સિંહના રહેઠાણ વિસ્તારમાં માણસે રિસોર્ટ્સ ખડકી લીધાં- સરકારની છાતી પર ચડી ગયા ધંધાર્થીઓ !
આ પ્રકારની સ્થિતિઓને કારણે ગીરના સિંહ જંગલ વિસ્તારની બહાર સ્થળાંતર કરવા મજબૂર બની ગયા. સિંહની કુલ સંખ્યા સરકારના આંકડાઓ મુજબ 891 છે, જે પૈકી પચાસ ટકા જેટલાં સિંહ જંગલની બહાર ‘રઝળે’ છે, ખોરાકની તલાશમાં ! સિંહ સંરક્ષણ અને સંવર્ધન જેવા શબ્દો- માત્ર પોથીમાંના રીંગણાં ?!
રિસોર્ટ્સ ‘નિયમિત’ કરી આપવા પરિપત્ર બહાર પાડ્યા બાદ સરકાર આ દિશામાં આગળ વધી શકી નથી. પ્રાણી પ્રેમી અને પર્યાવરણ લવર વિરોધ કરી રહ્યા છે. સરકાર ‘શું કરવું ?’ એવા વિચારમાં છે, રિસોર્ટ્સ ધરાવતાં ધંધાર્થીઓને ઉપરોકત પરિપત્રના અમલની ઉતાવળ છે- સબ કો અપની હી બાત પે રોના આયા. સિંહોની ચિંતાઓ કદાચ કોઈને નથી, એવી સ્થિતિઓ છે.(file image)


