Mysamachar.in-અમદાવાદ:
છેલ્લા કેટલાંક દિવસોથી વાવાઝોડું સમાચારોમાં છે કારણ કે, બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાત આંધ્રપ્રદેશના તટ પર વાવાઝોડાંના રૂપમાં ત્રાટકવાની શકયતાઓ છે ત્યારે નવી વાત એ છે કે, ગુજરાતને ટચ થતાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાત છે, જે સુરત-મુંબઈ વચ્ચે વાવાઝોડાં તરીકે ત્રાટકી શકે અથવા તેને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગમાં વરસાદ વરસી શકે છે.
બંગાળની ખાડીનો ચક્રવાત આજે સાંજ સુધીમાં મોંથા વાવાઝોડાંના રૂપમાં આંધ્રપ્રદેશમાં તટીય વિસ્તારોમાં ત્રાટકવાની સંભાવનાઓ છે, ઘણી ફ્લાઇટ પણ એ કારણસર રદ્દ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેન પણ કેન્સલ કરવામાં આવી છે. મોંથા નામનું આ વાવાઝોડું શક્તિશાળી પૂરવાર થઈ શકે છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, અરબી સમુદ્રમાં હાલ જે ચક્રવાત છે તે ઉત્તર પૂર્વ દિશા તરફ ખેંચાઈ રહ્યો હોય, તે સિસ્ટમ ગુરૂવારની રાત સુધીમાં સુરત-મુંબઈ વચ્ચેના દરિયાકિનારે વાવાઝોડાંના રૂપમાં ત્રાટકી શકે. તેની દરિયામાં હાલની ગતિ 20 કિમી પ્રતિ કલાક છે અને લાઈવ ટ્રેકર હાલ આ શકયતાઓ સપાટી પર લાવી રહ્યું છે. ટૂંકમાં, ભારતનો દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ એમ બંને વિસ્તારો હાલના બે દરિયાઈ ચક્રવાતને કારણે અલગઅલગ વાવાઝોડાંને કારણે ગ્રસ્ત બની શકે છે અથવા આ સિસ્ટમ આ વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે. આ કારણથી ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધીની ભારે વરસાદની આગાહી થઈ છે.


