Mysamachar.in-અમદાવાદ:
તહેવારો દરમ્યાન સર્જાયેલા ઘાતક અકસ્માતનો સિલસિલો હજુ ચાલુ છે, વધુ એક પ્રાણઘાતક અકસ્માતમાં 3 વ્યક્તિઓનો ભોગ લેવાઈ ગયો છે. ધોરીમાર્ગ પર કામ ચાલુ હોવાને કારણે એક જગ્યાએ સિમેન્ટની બેરીકેડ રાખવામાં આવી હતી, એક કાર પૂરપાટ ગતિ સાથે આ બેરીકેડ સાથે ધડાકાભેર અથડાઈ અને કારમાં સવાર 3 લોકોના મોત થઈ ગયા.
આ જિવલેણ અકસ્માત અમદાવાદ-ભાવનગર ધોરીમાર્ગ પર સર્જાયો. વેજળકા ગામ નજીક સર્જાયેલા આ અકસ્માતમાં કલ્પેશ મોહનભાઈ પટેલ (45), તેમના પત્ની કોમલબેન કલ્પેશભાઈ પટેલ (42) અને એક 17 વર્ષીય સગીરા અદિતિ કૃણાલભાઈ જાનીના મોત નીપજયા છે. આ મૃતકો વિસનગર પંથકના હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે.
આ અકસ્માતમાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. આ કાર ભાવનગર તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતીઓ એવી છે કે, આ રસ્તાનું કામ ચાલી રહ્યું હોય માર્ગ પર સિમેન્ટ બ્લોકની આડશો મૂકવામાં આવી છે. આવી એક આડશમાં આ કાર ગતિ સાથે ઘૂસી જતાં અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ 108 દ્વારા ઈજાગ્રસ્તોને ભાવનગર હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા.
-અકસ્માત સર્જાવાનું કારણ..
અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ-ભાવનગર નેશનલ હાઈ-વે નું કામ સરખેજથી ધોળકા વચ્ચે ચાલી રહ્યું છે. ઠેરઠેર સિમેન્ટ બ્લોક બેરીકેડ તરીકે ગોઠવવામાં આવ્યા છે. આ રસ્તા પર ટ્રાફિક પણ રહે છે અને બ્લોક હોવા છતાં, વાહનો પૂરપાટ દોડતાં હોય છે. જેને કારણે બ્લોક નજીક પહોંચી ગયા પછી પણ વાહનની ગતિ ઘટે નહીં એવા કિસ્સાઓમાં નાનામોટા અકસ્માત આ રસ્તા પર સર્જાઈ રહ્યા છે.


