Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં જે લોકો ગુનાહિત માનસ ધરાવે છે તેમને, કોઈનો પણ ડર નથી. આવા તત્વો ગમે તે જગ્યાઓ પર, ગમે તે સમયે, હત્યા જેવા અતિ ગંભીર ગુનાને પણ બેખૌફ રહી અંજામ આપવામાં પાછી પાની કરતાં નથી. હાલમાં જ પૂર્ણ થયેલાં 5 દિવસના તહેવારોને આવા શખ્સોએ લોહીથી લથબથ કરી દઈ- રાજ્યમાં સનસનાટી સર્જી દીધી, આ કલંકિત બનાવોમાં જામનગરનો પણ સમાવેશ થાય છે.
રાજ્યમાં એક તરફ દીવાળીના તહેવારો લોકો ઉજવી રહ્યા હતાં, ત્યારે જ આ પ્રકારના ગુંડા તત્ત્વો દ્વારા લોહીની હોળી ખેલવામાં આવી. પ્રથમ 48 કલાકમાં 10 લોકોની હત્યા થઈ અને તહેવારોના 5 દિવસ દરમ્યાન કુલ 15 જિંદગીઓને કાયમ માટે સૂવડાવી દેવામાં આવી. હથિયારોનો છૂટથી ઉપયોગ થયો- જાણે નઠારાં તત્વોને કોઈનો પણ જરાય ડર નહીં !
આ લોહિયાળ બનાવો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ, જામનગર, અંકલેશ્વર, દહેગામ, છોટા ઉદેપુર અને વાંકાનેરમાં નોંધાયા. તેનો અર્થ એ થઈ શકે કે, રાજ્યના કોઈ પણ વિસ્તારમાં આવા તત્ત્વો ધારે તે કરી શકે છે, કરે છે- એમને ન પોલીસની બીક છે, ન કાયદાનો ડર !
કાળી ચૌદશની રાતે રાજકોટમાં વાહન અથડાવા જેવી સામાન્ય બાબતમાં 3 હત્યા થઈ. છોટા ઉદેપુરમાં વાહનની ચાવી મામલે કાકા-ભત્રીજાની બબાલમાં દાદાનું મોત થયું. પૌત્રએ દાદાનો જિવ લીધો. અમદાવાદમાં અનૈતિક સંબંધની શંકા સાથે એક યુવાને લગ્ન પહેલાં જ પોતાની ભાવિ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી.
અમદાવાદમાં અન્ય એક બનાવમાં બેરોજગાર પુત્રના ત્રાસથી કંટાળી ખુદ પિતાએ પુત્રને પતાવી દીધો. મોરબી જિલ્લાના વાંકાનેરમાં પાડોશીઓના ઝઘડામાં સમાધાન માટે ગયેલા યુવકની હત્યા થઈ. દહેગામમાં દીવાળીની રાતે, ભરબજારમાં કેટલાંક શખ્સોએ છરીના 9 થી વધુ ઘા મારી એક યુવકને વેતરી નાંખ્યો.
જૂનાગઢમાં દીવાળીની રાતે ફટાકડાઓ ફોડવા જેવી સામાન્ય બાબતે એક નિવૃત ફોજદારના પુત્ર અને એક મહિલા સહિત પાંચ શખ્સોએ એક યુવકને મારી નાંખ્યો, એ યુવક એની ઘરડી મા નો એકમાત્ર સહારો હતો. વડોદરામાં બેસતાં વર્ષે ચા-નાસ્તો કરતી વખતે કેટલાંક લોકો વચ્ચે જોરદાર ઝઘડો થયો, ખંજર પેટમાં ઘૂસાડી 28 વર્ષના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો.
અંકલેશ્વરમાં બનેવીએ સાળાને છરી પરોવી દીધી. બનેવી પત્નીને લેવા સાસરે આવેલો ત્યારે આ બનાવ બની ગયો. સાળાનું મોત થયું. ભાઈબીજના દિવસે રાજકોટમાં એક ભાઈબહેને એકસંપ કરી, બિમાર પિતાને ઝાડ સાથે બાંધી દઈ..ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધાં. જામનગરમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે એક પાડોશીએ 37 વર્ષના યુવાનને છરીના ઉપરાઉપરી ઘા મારી વેતરી નાંખ્યો.
સુરતમાં એક શખ્સ પોતાની નાની દીકરીને અવારનવાર માર મારતો. આથી દીકરીના મામાએ બનેવીને ઠપકો આપ્યો. બાદમાં સાળો સૂતો હતો અને આ બનેવીએ તેને ઉંઘમાં જ પતાવી દીધો. આ બધી જ ઘટનાઓમાં જોવા મળે છે કે, હથિયારોનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારના તત્ત્વો પાસે હથિયારો હોય જ છે, અને ગમે ત્યારે, ગમે તે જગ્યાઓ પર આવા તત્ત્વો હથિયારોનો કોઈનો પણ ડર રાખ્યા વગર કે પરિણામોની ચિંતાઓ કર્યા વિના છૂટથી ઉપયોગ કરે છે ! ગુજરાત બિહાર છે ?!….


