Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતભરમાં આ વર્ષે ચોમાસા દરમ્યાન નોંધપાત્ર વરસાદ નોંધાયો. ચોમાસાની સત્તાવાર વિદાય સમયે પણ કેટલાંક વિસ્તારો ભીંજાયા. ફરી એક વખત, હવામાન વિભાગ જણાવી રહ્યો છે કે, દીવાળી અગાઉના આ તહેવારોના સમયમાં વધુ એક વખત વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના કહેવા અનુસાર, આગામી તા. 16 થી 19 દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ (માવઠું) વરસી શકે છે. તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં માવઠું સર્જાઈ શકે છે. આગાહીમાં વધુમાં જણાવાયું છે કે, આ બધાં વિસ્તારોમાં સામાન્ય રીતે નવેમ્બર, ડિસેમ્બર દરમિયાન આકાશ સ્વચ્છ રહે છે. આ વખતે દીવાળીના સમયમાં આકાશ વાદળછાયું રહી શકે છે.
સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ઉપરાંત નજીકના દીવમાં કમોસમી વરસાદની શકયતાઓ જણાઈ રહી છે. 16 ઓક્ટોબરે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, 17 ઓક્ટોબરે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, દીવ સહિતના વિસ્તાર તથા 18મી એ રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 19મી ઓક્ટોબરે પણ વરસાદ ચાલુ રહે એવી શકયતાઓ જણાઈ રહી છે.