Mysamachar.in-જામનગર:
સોહામણાં શહેર જામનગરને સારી બાબતોની માફક કલંકિત કામોમાં પણ ઈન્ટરનેશનલ ભૂમિકાઓ ભજવવાની જૂની કુટેવ છે. એક કરતાં વધુ વખત દેશબહારના છેડા જામનગરમાં ખુલ્યા છે. આવા વધુ એક રેકેટમાં અમદાવાદ પોલીસે જામનગરના 5 આરોપીઓને ઝડપી લીધાંનું જાહેર થયું છે.
આ મામલાની જાહેર થયેલી વિગત અનુસાર, અમદાવાદના એક યુવા વેપારીએ સાયબર ક્રાઈમની એક ફરિયાદ દાખલ કરાવી હતી. તેની સાથે રૂ. 32.72 લાખની છેતરપિંડીઓ થઈ છે. ફરિયાદ મુજબ, કેટલાંક લોકોએ આ ફરિયાદીનો ઓનલાઈન સંપર્ક કરી એવી ઓળખાણ આપી કે અમો આફ્રિકાની એક ફાર્મા કંપનીના પ્રતિનિધિ છીએ.
આ શખ્સોએ એમ કહેલું કે ત્યાં ભારતથી ફલાણું રસાયણ મોકલાવો. રાજસ્થાનના ભીલવાડાથી ઓછી કિંમતે આ રસાયણ ખરીદો અને અહીં આફ્રિકામાં આપણે તે રસાયણ ઉંચા ભાવે વેચાણ કરી નફો ભેગો કરી લઈએ. વેપારી ફરિયાદી લલચાયો અને આરોપીઓની જાળમાં ફસાયો. આ ચક્કરમાં મેં રૂ. 32.72 લાખ ગુમાવી દીધાં એમ ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું.
પોલીસે તપાસ શરૂ કરી. દરમ્યાન વિગતો મળી કે, કેટલાંક નાઈજિરિયન શખ્સો અને કેટલાંક ભારતીય શખ્સો આ આખું કૌભાંડ ઓપરેટ કરી રહ્યા છે. ભારતીય આરોપીઓએ વિદેશી ગેંગને બેંક એકાઉન્ટની વિગતો પૂરી પાડી, તેમાં જમા થયેલી રકમ પૈકી અમુક રકમ ઉપાડી અને બાકીની રકમ અન્ય રીતે ઉપાડી ગેરકાયદેસર ચેનલ મારફતે વિદેશી ગેંગને પહોંચાડી દીધી.
આ છેતરપિંડી કૌભાંડમાં જે પાંચ ભારતીય આરોપીઓ ઝડપાઈ ગયા છે તે પાંચેય જામનગરના છે. તેમના નામો અસગર અઝીઝ પઠાણ, અભિષેક મહેશ જોષી, પ્રવિણ ભોજા નંદાણિયા, દીપ પોપટ ગોસ્વામી અને નિતીન બાબુ ભાટીયા છે. સૂત્ર જણાવે છે, દીપ નામનો શખ્સ આ ધંધામાં કાબેલ છે. ઘણું કમાયો છે. અને, અગાઉ પણ આ રીતે ઝડપાઈ ગયો હતો.