Mysamachar.in-અમદાવાદ:
પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતેથી ડ્રગ્સના તોતિંગ જથ્થાની હેરાફેરી કરવાના મામલામાં આતંકવાદી સંગઠન સાથેનું કનેક્શન બહાર આવ્યા બાદ આ મામલામાં વધુ એક પૂરક ચાર્જશીટ ફાઇલ થયું છે.
નેશનલ ઈન્વેસ્ટીગશન એજન્સીએ નાર્કો-ટેરરના એક કેસમાં વધુ એક પૂરક ચાર્જશીટ દાખલ કર્યું છે. આ મામલામાં કુલ 8 આરોપીઓ હજુ વોન્ટેડ છે. આ કેસમાં અત્યાર સુધીમાં આ આઠમું ચાર્જશીટ અમદાવાદની ખાસ અદાલતમાં દાખલ થયું છે. સલાયા ડ્રગ્સ કેસ તરીકે કુખ્યાત આ કેસની સાથે આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા પણ જોડાયેલું છે. આ ડ્રગ્સના વેચાણથી મળતી રકમનો અમુક હિસ્સો આ આતંકી સંગઠનને ભંડોળ પૂરૂ પાડવા માટે થતો હતો એમ આ ચાર્જશીટમાં કહેવાયું છે.
ચાર્જશીટમાં જણાવાયા અનુસાર ઈટાલીમાં રહેતો સિમરનજિતસિંઘ સિંધુ, ઓસ્ટ્રેલિયામાં રહેતો તનવીર બેદી અને ભારતમાં રહેતો અંકુશ કપૂર આમાં સામેલ છે. આ નાર્કો-ટેરર કાવતરૂ અંકુશ કપૂરે ઘડયું હતું. આ મામલાના અન્ય પાંચ વોન્ટેડ ગુનેગારોમાં ભારત અને પાકિસ્તાનના રહેવાસીઓનો સમાવેશ થાય છે.
અબજો રૂપિયાની કિંમતનું આ 500 કિલોગ્રામ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ રસ્તે ગુજરાતમાં આવી, ગુજરાતથી પંજાબ પરિવહન થયાનું જણાવાયું છે. આ નેટવર્ક ઈરાન, આરબ અમીરાત અને થાઈલેન્ડમાં પણ ફેલાયેલું હોવાની વિગતો બહાર આવી છે. પાકિસ્તાની તાહિર ભારતમાં આ ડ્રગ્સની દાણચોરીનું સંકલન સંભાળવા ઉપરાંત ડ્રગ્સનું ભારતમાં પરિવહન, પંજાબમાં આ ડ્રગ્સનું વિતરણ અને આતંકવાદી સંગઠનને નાણાં પૂરા પાડવાની કામગીરીઓ સંભાળતો હતો એમ આ ચાર્જશીટમાં જણાવાયું છે.