Mysamachar.in-અમદાવાદ:
અરબી સમુદ્રમાં અત્યારે ચક્રવાત છે, સંભવિત વાવાઝોડાની આ સ્થિતિને હવામાન વિભાગે ‘શક્તિ’ નામ આપ્યું છે. જો કે કાંઠાળ વિસ્તારોથી આ ચક્રવાત દરિયામાં ઘણો દૂર હોય સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં કયાંય વાવાઝોડાની સંભાવનાઓ નથી પરંતુ તેની અસરો તરીકે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદનો વધુ એક રાઉન્ડ સોમવાર સુધીમાં સર્જાઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે કે, દ્વારકાના તથા પોરબંદરના કિનારાથી દરિયામાં સેંકડો કિલોમીટર દૂર ઉદભવેલો આ ચક્રવાત સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં જમીન પર વાવાઝોડા સ્વરૂપે ત્રાટકવાની સંભાવનાઓ નથી કારણ કે તેની આગળ વધવાની દિશા પાકિસ્તાન તરફની છે, જો કે એક શક્યતા એ પણ છે કે ચક્રવાત દક્ષિણ દિશામાં આગળ વધી દરિયામાં જ શાંત થઈ જાય.
જો કે આમ છતાં હવામાન વિભાગ એમ પણ કહે છે કે, સોમવાર સુધીમાં આ ચક્રવાતની અસરોને કારણે સૌરાષ્ટ્ર અથવા ઉતરીય મહારાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ભારે પવન અને જોરદાર વરસાદ લાવી પણ શકે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ચોમાસામાં દરિયામાં આ પ્રકારનો ચક્રવાત પ્રથમ વખત સર્જાયો છે. જેને ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું છે.