Mysamachar.in-અમદાવાદ:
ભારત સરકાર ‘પ્રકાશ’ નામનું એક સર્વેક્ષણ કરે છે. આ સર્વેક્ષણ દેશભરની શાળાઓમાં કરવામાં આવે છે. વર્ષ 2024માં આવો એક સર્વેક્ષણ થયો હતો. જેના આંકડાઓ હવે જાહેર થયા. આ આંકડાઓ અનુસાર, ગુજરાતનું શિક્ષણ ચિંતાઓ જન્માવે છે. અફસોસની વાત એ પણ છે કે, 2017ની સરખામણીએ 2024માં ગુજરાત વધુ ‘ડલ’ બન્યું છે ! રાજ્યનો શિક્ષણ વિભાગ શું કરે છે ?!
‘પ્રકાશ’ સર્વેક્ષણનું અંગ્રેજીમાં આખું નામ પર્ફોમન્સ એસેસમેન્ટ, રિવ્યુ એન્ડ એનાલિસિસ ફોર હોલિસ્ટીક ડેવલપમેન્ટ છે. જેના 2024ના આંકડાઓ કહે છે: ગુજરાતના ધોરણ ત્રણના 37 ટકા વિદ્યાર્થીઓ એવા છે જે પોતાની આસપાસની ચીજોને ઓળખી શકતા નથી. રાષ્ટ્રીય સ્તરે આવા વિદ્યાર્થીઓ 31 ટકા છે. ગુજરાતના 52 ટકા વિદ્યાર્થીઓ 1 થી 99 સુધીના આંકડાઓ સાચી રીતે ગોઠવી શકતા નથી. રાષ્ટ્રીય સ્તરે પણ આવું છે, આ ટકાવારી 55 ટકા છે.
આ ઉપરાંત 2 આંકડાની રકમના સરવાળા-બાદબાકી (ધોરણ 3) 53 ટકા વિદ્યાર્થીઓને આવડતા નથી. દેશભરમાં આવી હાલત છે ! 52 ટકા વિદ્યાર્થીઓ વાર્તા વાંચી શકે છે, 48 ટકા વિદ્યાર્થીઓ ‘ચખપલબ’ છે. 2017માં નૅશનલ એસેસમેન્ટ સર્વે થયેલો, તેના પરિણામની સરખામણીએ ગુજરાતનું 2024નું સર્વેક્ષણ ચોંકાવનારૂ છે, વિદ્યાર્થીઓમાં આવડત વધવાને બદલે ઘટી છે !
દેશના ઓછાં આવડતવાળા 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના જામનગર સહિત પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે ! જામનગરનો નંબર આમાં 21મો છે. આ ઉપરાંત ધોરણ 9 ના નીચા દેખાવવાળા દેશના 50 જિલ્લાઓમાં ગુજરાતના પણ બે જિલ્લાઓ છે. વિદ્યાર્થીઓમાં ભાષા જ્ઞાન બાબતે પણ ગુજરાતનું ચિત્ર સારૂં નથી. ગુજરાતના સંબંધિત સત્તાવાળાઓ આ સ્થિતિઓનો બચાવ કરે છે, બહાના દેખાડે છે અને કહે છે: 2027માં સર્વેક્ષણ થશે ત્યારે આપણાં પરિણામોમાં સુધારાઓ દેખાશે.(presntation image)