Mysamachar.in-અમદાવાદ:
પતંગ ઉત્સવ, ગણેશ મહોત્સવ, હોળી-ધૂળેટી, નવરાત્રિ અને દીવાળી જેવા તહેવારોના આગમન પૂર્વે દર વર્ષે જુદા જુદા કાયદાઓ, જોગવાઈઓ અને નિયમોની વાતો ‘ખબર’ બનતી હોય છે, આ વર્ષે પણ નવરાત્રિ અગાઉ આ પ્રકારનો માહોલ શરૂ થઈ ગયો છે. રાજ્યની વડી અદાલતે સરકાર અને પોલીસ પ્રત્યે, આ સંબંધે નારાજગી વ્યકત કરી છે.
આગામી 22મી થી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દરમ્યાન, રાજ્યની વડી અદાલતમાં ધ્વનિ પ્રદૂષણ સંબંધેની અદાલતની અવમાનનાની અરજીની સુનાવણીમાં કહેવાયું છે કે, ગૃહ વિભાગના પરિપત્ર મુજબ રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી ડીજે સાઉન્ડ અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ છે. જો કે, બીજી તરફ હકીકતો શું હોય છે, તે સૌ જાણે છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે અદાલતમાં સોગંદનામું કરી જણાવ્યું કે, 75 ડેસિબલથી વધુ અવાજ વધે નહીં અને જે એરિયામાં સામાન્ય રીતે જે અવાજ હોય તેનાથી 10 ડેસિબલ અવાજ વધે નહીં એવો સામાન્ય નિયમ છે. S.O.P. મુજબ રાત્રે 10 થી સવારે 6 સુધી સ્પીકર વગાડી શકાય નહીં. સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાડવું ફરજિયાત છે. પોલીસ ઓથોરિટીએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, નિયત માત્રાથી વધુનો અવાજ થાય નહીં અને એમ બને તો પોલીસે પગલાંઓ લેવાના રહેશે.
અદાલતે સ્પષ્ટ કહ્યું: સરકાર પાસે નિયમો, S.O.P. અને પોલીસ બધું જ છે. નિયમોનો ભંગ થાય છે. નિયમોના પાલન અંગે સરકાર સોગંદનામું આપે. અદાલતમાં રજૂઆત થઈ કે, 15-20 ફૂટ ઉંચા DJ સાઉન્ડ ટ્રકમાં હોય છે, પોલીસ પગલાં લેતી નથી. રજૂઆતમાં જણાવાયું કે, DySPથી નીચેના નહીં એવા સરકારે ઓથોરાઈઝ કરેલાં અધિકારીઓ પબ્લિક એડ્રેસ સિસ્ટમને મંજૂરીઓ આપશે.
વધુમાં જણાવાયું કે, પરવાનગી મેળવતી વખતે આયોજકે GPCBના નોટિફિકેશનના પાલનની બાંહેધરી આપવાની રહેશે. અને, સાયલન્સ ઝોન નકકી થયા હોય તેની 100 મીટરની ત્રિજ્યામાં સ્પીકર વગાડી શકાય નહીં. દર વખતની માફક આ વર્ષે પણ નિયમોની વાતો થઈ રહી છે, નવરાત્રિના સમયે શું હશે, એ સૌ જોશે.(ફાઈલ તસ્વીર)
