Mysamachar.in-અમદાવાદ:
સૌ જાણે છે કે, પોલીસ/અદાલતી કાર્યવાહીઓ દરમ્યાન ખાસ કરીને કોઈ પણ કેસમાં પ્રારંભિક તબક્કાઓ સમયે ‘જામીન’ મહત્વપૂર્ણ મુદ્દો રહે છે, કારણ કે આ બાબત તહોમતદારની ધરપકડ સાથે સીધી સંકળાયેલી હોય છે. જામીન સંબંધે સુપ્રિમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે.
નિયમિત અને આગોતરા જામીન અરજીઓના નિકાલમાં લાંબો વિલંબ ન્યાય નકારવા જેવો છે તેમ ઠરાવતા સુપ્રિમ કોર્ટે આવી અરજીઓનો નિકાલ કેસ ફાઇલ થયાના 2 મહિનામાં જ કરી દેવાનો આદેશ તમામ હાઈકોર્ટને આપ્યો છે.
અદાલતે કહ્યું કે, અરજદારો ‘અનિશ્ચિતતા’ હેઠળ હોય ત્યારે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાને લગતી અરજીઓ વર્ષો સુધી પેન્ડિંગ ન રાખી શકાય. નિયમિત અને આગોતરા જામીન અરજીઓ પરનો નિર્ણય યોગ્યતાના આધારે ઝડપથી થવો જોઈએ. આ વિલંબ આર્ટિકલ 14 અને 21માં પ્રતિબિંબિત બંધારણીય નૈતિકતાની વિપરીત છે. જો કે પક્ષકારોને કારણે તેમાં વિલંબ થતો હોય તો તે અપવાદ લેખાશે.
સુપ્રિમ કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતાને આવરી લેતાં કેસોને પ્રાથમિકતા આપવા અને બિનજરૂરી મોકૂફીથી બચવાની આ સૂચના જિલ્લા અદાલતોને પણ આપવા વડી અદાલતોને કહ્યું છે. આ સાથે જ તપાસ એજન્સીઓ પાસેથી અપેક્ષાઓ રાખવામાં આવે છે કે, તેઓ લાંબા સમયથી પડતર કેસોમાં તપાસ ઝડપથી પૂર્ણ કરે જેથી ફરિયાદી કે આરોપી બંનેને અયોગ્ય વિલંબના કારણે પૂર્વગ્રહનો સામનો ન કરવો પડે, એમ ખંડપીઠે કહ્યું.
