Mysamachar.in-અમદાવાદ:
સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ વિવિધ રોગોનું પ્રમાણ વધ્યું હોવાથી અને વધુ ને વધુ લોકો આરોગ્ય સંબંધે જાગૃત બની રહ્યા હોય, આરોગ્ય વીમો ઉતારતી કંપનીઓનો બિઝનેસ અબજોમાં પહોંચી ગયો છે. અને સાથેસાથે, વીમા ક્લેઈમની ચૂકવણીઓ સંબંધે કંપનીઓની દાદાગીરીની ફરિયાદો પણ વધી રહી છે. આ સ્થિતિઓ હવે ઘણાં અંશે નિવારી શકાશે. કારણ કે, આ માટે એક એસોસિએશન મેદાનમાં આવ્યું છે.
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન, જે AHNA ના ટૂંકા નામે ઓળખાય છે તે સંગઠને હાલમાં જ એક નવી સેવાનો આરંભ કર્યો છે. આ દર્દીલક્ષી સેવાનું નામ ઈન્સ્યોરન્સ આસિસ્ટન્સ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, AHNAમાં 1,200 હોસ્પિટલ અને નર્સિંગ હોમ જોડાયેલા છે.
ધારો કે તમે કોઈ કંપની પાસેથી આરોગ્ય વીમો ખરીદેલો છે અને તમે આરોગ્ય વીમો કલેઈમ કરવાની સ્થિતિમાં મૂકાઈ જાવ છો. ઘણાં બધાં લોકોને આ સ્થિતિઓમાં વીમા કંપનીઓની દાદાગીરીનો અનુભવ થતો હોય છે. કંપનીઓ કલેઈમની સંપૂર્ણ અથવા આંશિક રકમ દાવેદારને ચૂકવવા ઈન્કાર કરતી હોય છે, આવા ઘણાં કેસ ગ્રાહક સુરક્ષા ફોરમ તથા અદાલતોમાં ચાલતાં હોય છે.
AHNAએ ઈન્સ્યોરન્સ આસિસ્ટન્સ યોજના અંતર્ગત એવી વ્યવસ્થા કરી છે કે, તમે આ એસોસિએશનમાં રૂ. 1,000 અથવા કલેઈમની રકમની એક ટકો રકમ( 2 પૈકી જે વધુ હોય તે) જમા કરાવો એટલે AHNA દર્દીઓના તમામ કાગળોની ચકાસણીઓ કરી આપશે, પુરાવાઓ એકત્ર કરશે અને વીમા કંપનીઓ વિરુદ્ધ ગ્રાહક ફોરમથી માંડીને અદાલત સુધીની લડત તમારાં વતી લડશે અને તમને તમારાં દાવાની રકમ કંપની પાસેથી મેળવવામાં મદદરૂપ બનશે. આ સંગઠન મેડિકલ સાયન્સ અને વીમા સંબંધિત કાયદાઓનું જાણકાર હોવાથી કંપની વિરુદ્ધની તમારી લડાઈ અસરકારક સાબિત થઈ શકશે, એમ આ એસોસિએશને દાવો કર્યો છે.
