મોરબી અને કચ્છ વચ્ચે, મોરબીના માળીયા-સૂરજબારી પુલ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. આ ટ્રિપલ અકસ્માતમાં 4 લોકોનો ભોગ લેવાયો હોવાની જાણકારીઓ બહાર આવી છે, જેમાં એક વાહનના ડ્રાઇવર-ક્લીનર ઉપરાંત બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ અકસ્માતની જાહેર થયેલી વિગત અનુસાર, સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી ખાઈ ગયું. બરાબર આ જ સમયે એક ટેન્કર ધડાકાભેર આ કન્ટેનર સાથે ટકરાયું અને ત્યારે જ એક કાર આ જગ્યા પર ટેન્કર સાથે અથડાઈ ગઈ. આ ભયાનક અકસ્માત સમયે, ટેન્કર અને કારમાં આગ ફાટી નીકળતા 4 નો ભોગ લેવાયો છે અને કારમાં સવાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે.
આ ગમખ્વાર અકસ્માતમાં જે ચાર લોકોનો ભોગ લેવાયો છે તે પૈકી 2 વિદ્યાર્થીઓ જૂનાગઢની આહિર બોર્ડિંગના હોવાની જાણ થઈ છે. આ કમભાગી વિદ્યાર્થીઓના નામો રુદ્ર ગોપાલભાઈ ગુજરીયા (15, રહે. મીઠી રોહર, ગાંધીધામ) અને જૈમિન જગદીશભાઈ બાબરીયા(17) છે, જે પણ મીઠી રોહર ખાતે રહેતો હતો. આ ઉપરાંત આ અકસ્માતમાં રાજસ્થાનના શિવરામ મંગલરામ નાઈનું મોત થયું છે અને એક મૃતદેહની ઓળખ બાકી છે. આ બંને મૃતક ટેન્કરના ડ્રાઈવર ક્લીનર હોવાનું જાણવા મળે છે. આ અકસ્માત બાદ ટ્રાફિક જામ જોવા મળેલ હતો.