Mysamchar.in:અમદાવાદ:
સમગ્ર રાજ્યમાં છેલ્લા 10-12 દિવસથી કયાંય નોંધપાત્ર વરસાદ વરસ્યાના અહેવાલો નથી. જામનગર જિલ્લામાં પણ ગત્ 22મી થી મેઘરાજા ‘વેકેશન’ પર ગયા હોય એમ તેમની ગેરહાજરીમાં લોકો ગરમી અને અકળામણ અનુભવી રહ્યા છે. દરમ્યાન, હવામાન વિભાગે ‘ટાઢક’ આપતી આગાહી જાહેર કરી છે.
ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, ઓગસ્ટ તથા સપ્ટેમ્બર માસ દરમ્યાન રાજ્યમાં વરસાદની સંભાવનાઓ છે. ઓગસ્ટ દરમ્યાન હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર માસમાં ઓગસ્ટના વરસાદ કરતાં વધુ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ ઉમેરે છે કે, આગામી 7 દિવસ દરમ્યાન પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવનાઓ છે. 4 અને 5 ઓગસ્ટ દરમ્યાન માછીમારોએ દરિયો ન ખેડવો એમ પણ કહેવાયું છે.
આ સાથે જ હવામાન વિભાગ કહે છે: જૂલાઈના અંત સુધીમાં રાજ્યમાં સરેરાશની દ્રષ્ટિએ સારો વરસાદ થયો છે. રાજ્યમાં 47.7 ટકા વરસાદ વરસી ગયો છે. કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ માસ દરમ્યાન બે સપ્તાહ વરસાદની ગતિ ધીમી રહી શકે છે. આવનારા દિવસોમાં મોન્સૂન ટ્રફ ઉતર દિશામાં પસાર થઈ શકે છે. જો કે ઓગસ્ટ માસ દરમ્યાન રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાવાની શકયતાઓ છે. આ સાથે જ ભારતીય હવામાન વિભાગ IMDનું વરસાદ અંગેનું પૂર્વાનુમાન એવું છે કે, સમગ્ર દેશમાં ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં વધુ વરસાદ વરસી શકે છે.
એમ માનવામાં આવે છે કે, દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. મજબૂત વરસાદી સિસ્ટમ આખા ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ લાવી શકે છે. રાજ્યમાં લાખો ખેડૂતો સહિતના કરોડો નાગરિકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. મેઘરાજા સૌના હૈયે ટાઢક અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દે- એવી શકયતાઓ હાલ જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ઓછા કલાકોમાં વરસેલા વધુ વરસાદને કારણે લાખો લોકોએ પરેશાની પણ અનુભવી છે.