My samachar. ગાંધીનગર
પાટનગર ગાંધીનગરના એક મહિલા ડોક્ટરને પોતાની જુદા જુદા પ્રકારની ઓળખ આપીને કેટલાંક શખ્સોએ રાજ્યનું સૌથી મોટું ડિજિટલ એરેસ્ટ કૌભાંડ આચર્યુ છે, જેની તપાસનો છેડો સૌરાષ્ટ્રમાં લંબાતા જામનગરના 3 સહિત સૌરાષ્ટ્રના કુલ 8 શખ્સોની ધરપકડ થઈ છે.
આ મામલાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી સર્જી છે, કેમ કે ફરિયાદ એવી છે કે આ મહિલા ડોક્ટર સાથે રૂ. 19 કરોડનું ફ્રોડ થયું છે. સાયબર ક્રાઈમના સ્ટેટ સેલ દ્વારા અગાઉ આ મામલામાં સુરતના લાલજી બલદાણિયાની ધરપકડ થયેલી. લાલજીની પૂછપરછ દરમ્યાન વિગતો બહાર આવી કે, આ મામલામાં સૌરાષ્ટ્રના કેટલાંક શહેરોમાં પણ બેંક એકાઉન્ટ મારફતે અમુક રકમ ટ્રાન્સફર થઈ છે. જેના આધારે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ સહિતના શહેરોના વધુ 8 આરોપીઓની ધરપકડ થઈ.
આ મામલામાં સૌરાષ્ટ્રના 8 પૈકી જામનગરના 3- યશપાલસિંહ ચૌહાણ(નેમિનાથ સોસાયટી, કામદાર કોલોની), અમીર માણેક(જામા મસ્જિદ ચોક, બેડી) અને ઈસ્માઈલ ખુંભિયા(સમ્રાટનગર, ખોડિયાર કોલોની)ની ધરપકડ થઈ છે. અન્ય પાંચ આરોપીઓ રાજકોટ-અમરેલીના છે. આ આઠ ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ્સમાં છેતરપિંડીની અમુક રકમ ટ્રાન્સફર થઈ છે અને સેલ્ફના ચેક દ્વારા આ રકમ પૈકી રૂ. 50 લાખની રકમ બેંકમાંથી ઉપાડવામાં પણ આવી છે. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમને એવી વિગતો મળી છે જેમાં 30 જેટલાં શકમંદોના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ થયો છે.