Mysamachar.in-ગાંધીનગર:
આવતીકાલ 4 જુલાઇ, 2025ના રોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ તથા સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3 વાગ્યે આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 4876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થશે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 56 મહિલા સમરસ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ₹35 કરોડથી વધુની ગ્રાન્ટ વર્ચ્યુઅલી ફાળવવામાં આવશે.
મુખ્યમંત્રી દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત સમરસ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી સિવાય પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત નવ થીમ દીઠ પ્રથમ ક્રમાંક ધરાવતી ગ્રામ પંચાયતોના સરપંચઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવશે. તે સિવાય યોજનાકીય ગ્રાન્ટની જાહેરાત પણ કરવામાં આવશે. પ્રોત્સાહક અને વિવિધ યોજનાઓની ગ્રાન્ટ અંતર્ગત કુલ ₹1236 કરોડથી વધુની જોગવાઇ કરવામાં આવી છે.
-સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયત ભાવનગરમાં, મહિલા સમરસ ગ્રામ પંચયતોમાં મહેસાણા ટોચ પર
આ વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા 103 છે, જે ભાવનગર જિલ્લામાં છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો સૌથી વધારે 9 ગ્રામ પંચાયત મહેસાણા જિલ્લામાં જાહેર કરવામાં આવી છે. ટોપ 5 સમરસ ગ્રામ પંચાયતોમાં ભાવનગર બાદ મહેસાણા (90), પાટણ (70), બનાસકાંઠા (59) અને જામનગર (59)નો સમાવેશ થાય છે. મહિલા સમરસ ગ્રામ પંચાયતોની ટોપ-5 યાદીમાં મહેસાણા (9), પાટણ (7), ભાવનગર (6), બનાસકાંઠા (6) અને વડોદરા (4) સામેલ છે.