Mysamachar.in-અમદાવાદ:
લાંચ ક્ષેત્રના જાણકારો કહે છે, કેટલાંક લાંચિયા તત્ત્વો કામ મુજબ લાંચ લેવામાં પારંગત હોય છે અને તેમને જરૂરિયાતમંદ લાભાર્થીની દુખતી નસની બધી જ માહિતીઓ હાથવગી હોય છે અને તે મુજબ કામ ઉતારવામાં આવતું હોય છે, કેમ કે ઘણી લાંચ એવી પણ હોય છે જેમાં જૂદાજુદા ‘ભાગ’ કાઢવાના હોય છે. આથી લાંચની રકમનો આંકડો મોટો થતો હોય છે. જો કે કેટલાંક કિસ્સાઓમાં ‘મોટી’ લાંચ છટકામાં સપડાઈ જતી હોય છે કારણ કે સૌના નસીબ અલગઅલગ હોય છે. આવો એક ખેલ ‘જાહેર’ થઈ ગયો અને 3 આરોપીઓ ઝડપાઈ ગયા.
આ મામલો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી લેન્ડ રેકર્ડ કચેરીનો છે. એક મહિલાના કમી જાસ્તી પત્રકમાં ‘ઘાલમેલ’ કરવાની હતી. આ માટે આ મહિલાના ભાઈ પાસે રૂ. પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. જે અનુસંધાને ACBએ ફરિયાદના આધારે છટકું ગોઠવી 3 ને ઝડપી લીધાં છે. કચેરીના સરકાર માન્ય લાયસન્સી સર્વેયર સહિત 3 શખ્સોની ધરપકડ થઈ છે.
આ છટકામાં સપડાઈ ગયેલા 3 આરોપીઓના નામો (સર્વેયર) ગૌતમ ભરતભાઈ યાજ્ઞિક, જમીન દલાલ નવઘણસિંહ ખુમાનસિંહ ડોડીયા અને મનિષ ધીરૂભાઈ પગી છે. સરકાર માન્ય સર્વેયરે ફરિયાદીને એમ કહેલું કે, લેન્ડ રેકર્ડ કચેરીમાં ‘વહીવટ’ કરવો પડશે. ત્યારબાદ આ બંને જમીન દલાલો મર્સિડીઝ કાર લઈ લાંચના નાણાં લેવા ગયા અને ઝડપાઈ ગયા. આ કારની કિંમત રૂ. 1 કરોડ છે. કારનો ગુનામાં ઉપયોગ થયો હોય, કાર કબજે લેવામાં આવી છે. આરોપીઓને મુખ્ય આરોપી ગૌતમ સાથે આ બાબતે વાત કરાવવામાં આવ્યા બાદ ગૌતમને ગાંધીનગર અપના અડ્ડા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો. આમ આ મામલામાં બે જમીન દલાલ અને એક સરકાર માન્ય સર્વેયર એમ કુલ ત્રણની ધરપકડ થઈ છે.