Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં વધુ એક વખત ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આગાહીમાં જણાવાયું છે કે, આજે 21મી જૂનની રાત સુધીમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદ વરસી શકે છે. વરસાદની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, આવતીકાલે રવિવારે 22મી જૂને ગાંધીનગર અને અમદાવાદ સહિતના જિલ્લાઓ અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર કચ્છના જામનગર, મોરબી અને કચ્છ જિલ્લાઓમાં સામાન્ય અથવા ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે જ 23 થી 26 જૂન દરમ્યાન પણ રાજ્યના વિવિધ જિલ્લાઓ ભારે વરસાદ નોંધાઈ શકે છે. આ દિવસો દરમ્યાન પણ ઘણાં જિલ્લાઓમાં વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
			
                                
                                
                                



							
                