Mysamachar.in-:અમદાવાદ:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અધિકારી એવો છે જે ‘વિકાસ’ વિભાગમાં અધિકારી છે અને તેની પત્ની બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય કરે છે. ACBએ શોધી કાઢ્યું કે, આ અધિકારી પાસે આવકના કાયદેસરના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિઓ છે. આ અધિકારી વિરુદ્ધ ગત્ વર્ષે ફરિયાદ થઈ હતી.
અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના TDO(ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર)જીગ્નેશ શાહની ધરપકડ થઈ છે. આ અધિકારીએ પાછલાં 10 વર્ષ દરમ્યાન નોંધપાત્ર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાની વિગતો બહાર આવી છે. આ અધિકારીએ કુલ રૂ. 4.41 કરોડની સંપત્તિઓ એકત્ર કરી છે. આ સમય દરમ્યાનની તેની કાયદેસરની એટલે કે પગારની આવક રૂ. 1.34 કરોડ હતી.
આ અધિકારી વિરુદ્ધ 2024માં લાંચ રૂશવત વિરોધી શાખામાં અરજી દાખલ થઈ હતી. ત્યારબાદ આ મામલો સામે આવ્યો. આ અધિકારી પાસે એક બંગલો, બે ફલેટ તથા બે ઓફિસ છે અને રૂ. 1.34 કરોડનું સોનું છે. આ ઉપરાંત વાહનો અલગ. આ અધિકારીની તપાસ દરમ્યાન 17 જેટલાં બેંક એકાઉન્ટની વિગતો મળી છે. અધિકારીના પત્ની રિઅલ એસ્ટેટ બિઝનેસ સંભાળે છે.