Mysamachar.in-અમદાવાદ:
ગુરૂવારે બારમી જૂને અમદાવાદમાં અગનગોળો બની 300 જેટલાં લોકોને ભરખી જનાર વિમાન વર્ષોથી ચર્ચાઓમાં શા માટે છે ? તેની કેટલીક વિગતો છેક લંડનથી જાહેર થઈ અને આ તમામ વિગતો આજે ભારતભરમાં પહોંચી ગઈ છે. આ વિગતો ઉતેજના વધારનારી છે. અમદાવાદથી ઉડેલું આ વિમાન લંડન જવા રવાના થયું હતું અને યોગાનુયોગ આ વિમાન અંગેની કેટલીક મહત્વપૂર્ણ તથા સંવેદનશીલ વિગતો, આજે લંડનથી ભારત (અમદાવાદ)પહોંચી. આ વિગતો એક લીડીંગ અંગ્રજી અખબારમાં પ્રકાશિત થઈ છે.
આ વિગતોમાં કહેવાયું છે કે: અમદાવાદમાં તૂટી પડેલું વિમાન બનાવનાર બોઈંગ કંપનીમાં જહોન બારનેટ નામની વ્યક્તિએ 30 કરતાં વધુ વર્ષ સુધી નોકરી કરી હતી. કંપનીએ આ વ્યક્તિને નોર્થ ચાર્લ્સટન ખાતે આવેલા કંપનીના પ્લાન્ટમાં ક્વોલિટી મેનેજરનું પદ આપ્યું હતું. જહોન નામની આ વ્યક્તિએ 2019માં BBC સમક્ષ એમ નિવેદન આપ્યું હતું કે, વિમાન ઉત્પાદનમાં વિલંબ ટાળવા કંપનીના કામદારો પર માનસિક દબાણ રહેતું. અને ઝડપથી કામ પૂર્ણ કરવા વિમાન ઉત્પાદન દરમ્યાન સ્ટાન્ડર્ડથી નબળી કક્ષાના પાર્ટ્સનો પણ વિમાનમાં ઉપયોગ કરવામાં આવતો. અને કામદારો પાસે આવી કામગીરીઓ જાણીબૂઝીને કરાવવામાં આવતી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુરૂવારે અમદાવાદમાં તૂટી પડેલું 787 dreamliner વિમાન પણ કંપનીના આ નોર્થ ચાર્લ્સટન પ્લાન્ટમાં જ ઉત્પાદિત થયું છે.
કંપનીનો જહોન નામનો આ અધિકારી 2017માં કંપનીમાંથી નિવૃત થયો પછી તેણે આ અવાજ BBC સમક્ષના નિવેદનમાં ઉઠાવ્યા બાદ પણ કંપનીએ આ નિવેદન સંબંધે કંપનીમાં કોઈ પગલાંઓ લીધાં ન હતાં. જહોને નિવૃતિ બાદ કંપની વિરુદ્ધ કાનૂની કાર્યવાહીઓ પણ કરી હતી. અને, આ કાર્યવાહીઓ દરમ્યાન તેણે કંપની વિરુદ્ધ કેટલાંક મહત્વપૂર્ણ પુરાવાઓ પણ અદાલતમાં આપ્યા હતાં. તે પછીના સપ્તાહમાં જહોનનું મોત થયું. માર્ચ-2024માં જાહેર થયું કે, જહોને પોતાના જ ફલેટમાં, જાતે રિવોલ્વરનો ધડાકો કરી આપઘાત કરી લીધો. તેના મૃતદેહ પર ગોળીનો ઘા હતો.
જહોને જેતે સમયે એવો પણ દાવો કર્યો હતો કે, આ વિમાનમાં ઈમરજન્સી સમયે ઓક્સિજન સિસ્ટમ માટે મુસાફરોને જે માસ્ક આપવામાં આવે છે તે માસ્ક પૈકી 25 ટકા એટલે કે ચોથા ભાગના માસ્ક ઈમરજન્સી સમયે યોગ્ય સ્થિતિમાં હોતા નથી. આ આક્ષેપ પણ ગંભીર હતો.
જહોનએ જેતે સમયે એમ પણ કહેલું કે, કંપનીના સાઉથ કેરોલીના ખાતેના પ્લાન્ટમાં તેણે જ્યારે પોતાની નોકરી શરૂ કરી ત્યારે પણ તેણે વિમાનની સુરક્ષા સંબંધે કંપનીનું ધ્યાન દોરેલું કારણ કે, નવા વિમાન ઝડપથી બનાવવા માટે ઘણી વખત તો સ્ક્રેપ તરીકે કાઢી નાંખવામાં આવેલા નબળી ક્વોલિટીના પાર્ટ્સ નવા બનતા વિમાનમાં ફીટ કરવા કામદારોને દબાણ કરવામાં આવતું. જેતે સમયે બોઈંગ કંપનીએ જહોનના આ આક્ષેપ નકારી દીધાં હતાં.
એપ્રિલ-2024ની વાત પણ જાણવા જેવી છે. બોઈંગ કંપનીમાં એન્જિનિયર તરીકે કાર્યરત એવા સામ સાલેહપૌરે NBC સમક્ષ કહેલું: 787 dreamliner નામના કંપનીના જેટલાં પણ વિમાન દુનિયામાં ઉડે છે તે બધાં વિમાન જમીન પર રાખી દો.(અમદાવાદનું વિમાન પણ આ જ હતું !!) કારણ કે, આ વિમાનો પોતાના આયુષ્ય પહેલાં જ fail થઈ શકે છે.
આ એન્જિનિયરે NBC ન્યૂઝ સમક્ષ એમ પણ કહેલું કે, વિમાનની મુખ્ય બોડીના તમામ પાર્ટ્સ જોડતી વખતે કામદારો નાના ‘ગેપ’ પૂરવામાં નિષ્ફળ રહે છે. (આ મુખ્ય બોડીને ફયૂઝલેગ કહે છે). અત્રે ઉલ્લેખનિય છે કે, બોઈંગ કંપનીએ હંમેશા આ પ્રકારના તમામ આરોપો નકારી દીધાં છે.
હાલમાં ફેડરલ એવિએશન વહીવટીતંત્ર સામ સાલેહપૌર નામના આ ઈજનેરના આક્ષેપોની તપાસ ચલાવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં ચાલી રહેલી તપાસ મે-2024માં ફરીથી શરૂ થયેલી તપાસ છે. એ અગાઉ કંપનીએ એમ કહેલું કે અમે વિમાનોનું પરીક્ષણ પૂર્ણ કર્યું નથી. ત્યારબાદ એપ્રિલ-2024માં આ તપાસ હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી. દરમ્યાન હાલ બોઈંગ કંપનીએ એવું નિવેદન જાહેર કર્યું છે કે, 12મી જૂનની વિમાન દુર્ઘટના સંબંધે કંપની AI 171 અનુસંધાને એર ઈન્ડિયા સાથે સંપર્કમાં છે. અમો એમને સહયોગ આપવા તૈયાર છીએ. અને અમે સૌ મૃતકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરીએ છીએ.





