Mysamachar.in-અમદાવાદ:
GUVNLએ જાહેર કર્યું છે કે, આજે શુક્રવારે 6 જૂને સાંજે 6 વાગ્યાથી આગામી 10 જૂન, સવારે 10 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં PGVCL સહિતની તમામ સરકારી વીજકંપનીઓની ઓનલાઈન સેવાઓ અને સુવિધાઓ બંધ રહેશે. એમ જાહેર કરવામાં આવ્યું છે કે, વીજકંપનીઓની સંપૂર્ણ ઓનલાઈન સેવાઓના મેન્ટેનન્સ અને અપડેશન માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચાર દિવસ દરમ્યાન વીજકંપનીઓ પોતાની બેક એન્ડ કામગીરીઓમાં સુધારાઓ દાખલ કરવા ચાહે છે. આથી વીજબિલોના ઓનલાઈન ભરણાં, ઓનલાઈન ફરિયાદ સહિતની કામગીરીઓ બંધ રહેશે.

આ ચાર દિવસ દરમ્યાન વીજકંપનીઓની વેબસાઈટ, વર્ચ્યુઅલ બેન્ક એકાઉન્ટ, કોમન સર્વિસ સેન્ટર, ઈ-ગ્રામ તથા બેંકો સાથે સંકળાયેલી વીજકંપનીઓની સેવાઓ સસ્પેન્ડ રહેશે. વીજકંપનીઓના સમગ્ર નોન IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ઘણાં બધાં હાર્ડવેર બદલાવવામાં આવી રહ્યા છે. આધુનિક સાધનોનો સિસ્ટમમાં ઉપયોગ થશે. જેથી ભવિષ્યમાં વધુ સારી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. અત્રે ઉલ્લેખનિય છે કે, વિવિધ વીજકંપનીઓના આશરે 1.30 કરોડ ગ્રાહકો માટે આ જાણકારીઓ આપવામાં આવી છે.