Mysamachar.in-જામનગર:
જામનગર શહેરની મધ્યમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં ઘણી બધી દુકાનોમાં ‘એપલ’ કંપનીના ફોનની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે, એવી વિગતો ગત્ જૂનમાં આ કંપનીના અમદાવાદ ખાતેના એક અધિકારીના ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ કોપીરાઈટ સંબંધિત કાગળોના અનુસંધાને કંપનીના આ પ્રતિનિધિએ જામનગરના કુલ પાંચ વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે, જેને કારણે મોબાઈલ ફોન એસેસરીઝ વેચતા વેપારીઓમાં દોડધામ મચી છે.

અમદાવાદમાં રહેતા અને કંપનીમાં કામ કરતા વિશાલસિંહ જાડેજાએ આ ફરિયાદ જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે જેમાં જણાવાયું છે કે, ગત્ જૂનમાં જાણવા મળેલ હતું કે, જામનગરના ટાઉનહોલ શોપિંગ સેન્ટરમાં આવેલી મોબાઈલ સંબંધિત દુકાનો ન્યૂ મોબાઈલ ડોટ કોમ, જય માતાજી મોબાઈલ પોઈન્ટ, મોબાઈલ સોલ્યુશન, યુઝ એન્ડ બાય તથા સેલ પોઈન્ટ નામની કુલ પાંચ દુકાનોના ધારકોએ આઈફોન કંપનીના એપલના સિમ્બોલવાળી ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ પોતાની દુકાનોમાં વેચાણ માટે રાખી, કોપીરાઈટ એકટનો ભંગ કર્યો છે. આ એસેસરીઝની કુલ બજારકિંમત આશરે રૂ. 7,65,000 ગણવામાં આવી છે.
આ ફરિયાદમાં આરોપી વેપારીઓ તરીકે મહેમૂદ મેતરભાઈ ગરાણા, વિનોદ પરસોતમભાઈ કટેશિયા, સરફરાઝ યુનિશભાઈ તાશમાણી, કલીમ હનીફભાઈ બલોચ અને હાસમ ઈકબાલભાઈ ફૂલવાલાના નામો જાહેર થયા છે. આ બાબતે આ તમામ પાંચેય વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ બાદની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે.
