Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડયાના અહેવાલો વચ્ચે સંભવિત વાવાઝોડા સંબંધે પણ રાજ્યમાં જરૂરી તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. જો કે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે કે કેમ ? તે પ્રશ્નનો જવાબ હવામાન વિભાગની દ્રષ્ટિએ હાલ નક્કી નથી. આ અંગેની વધુ સ્પષ્ટતાઓ આગામી કલાકોમાં નક્કી થઈ શકે છે.
હવામાનનો અભ્યાસ કરતી ખાનગી કંપની સ્કાયમેટના કથન અનુસાર, મોટાભાગના હવામાન મોડેલ જણાવે છે કે, આગામી સમયમાં વાવાઝોડું ઉદભવી શકે છે પરંતુ હાલ આવી કોઈ સિસ્ટમ ડેવલપ થઈ નથી. શક્ય છે કે, આજે સાંજ સુધીમાં કે આગામી 36 કલાકમાં વાવાઝોડાની સિસ્ટમ ડેવલપ થઈ છે કે કેમ, તે પ્રશ્નનો જવાબ સ્પષ્ટ રીતે મળી શકે.
સ્કાયમેટ કહે છે: હાલના સમયમાં દક્ષિણ કોંકણ અને ગોવાના દરિયાકાંઠે અરબી સમુદ્ર પર એક લો-પ્રેશર સિસ્ટમ બની છે. એવું બને કે, આ સિસ્ટમ આગામી 48 કલાક દરમ્યાન અહીં ભારે વરસાદ વરસાવી શકે. આ સિસ્ટમ ઉત્તર દિશામાં એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી શકે છે. એવું પણ બને કે, આજે શુક્રવારની સાંજ સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે. હાલ ગોવા આસપાસ ભારે વરસાદ અને ગાજવીજની શકયતાઓ છે.

સામાન્ય રીતે અરબી સમુદ્રમાં રચાતા આ હવામાન ફેરફારો અનિશ્ચિત અને જટિલ હોય છે. તેની તીવ્રતા, ગતિ અને દિશામાં ઝડપી ફેરફારો થતાં હોય છે. આ પ્રકારના સંભવિત દરિયાઈ ચક્રવાત દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધતા હોય છે, ઘણી વખત ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી પાકિસ્તાન કે ઓમાન તરફ ફંટાઈ જતા હોય છે. આમ છતાં આ સમયગાળામાં તમામ સંબંધિત સરકારી એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવતી હોય છે. હાલમાં આ પ્રકારના વાતાવરણને કારણે જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજકોટ અને ગોંડલ પંથકમાં પણ વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર અનુભવવા મળી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આ સ્થિતિઓને કારણે ભારે બફારાનો અહેસાસ કરી રહેલા લોકો ગરમીમાં અકળાઈ રહ્યા છે.
