Mysamachar.in-અમદાવાદ:
જન્મ અને મૃત્યુ અધિનિયમમાં કરવામાં આવેલા સુધારાઓને પડકારતી એક અરજી હાઈકોર્ટમાં આવી હતી. અદાલતે આ અરજી ફગાવી દીધી છે. એટલે કે, સરકાર દ્વારા વર્ષ 2023માં આ બાબતે જે સુધારાઓ કરવામાં આવ્યા હતાં, એ સુધારાઓને હાઈકોર્ટ દ્વારા બહાલી આપવામાં આવી છે. એ મુજબ વિલંબિત નોંધણીની સતાઓ જિલ્લા મેજિસ્ટ્રેટ હસ્તક રહેશે.

આ રિટ અરજી વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની બેન્ચ સમક્ષ આવી હતી. સરકારે વર્ષ 2023માં જન્મ મૃત્યુ અધિનિયમની કલમ-13માં સુધારો દાખલ કર્યો હતો. આ સુધારો કરવામાં આવ્યો એ અગાઉ એવી વ્યવસ્થાઓ હતી કે, કોઈપણ જન્મ અથવા મૃત્યુની નોંધ એક વર્ષ બાદ એટલે કે વિલંબથી થઈ હોય એવા કિસ્સાઓમાં આ બાબતની તપાસ કરવાની તથા માહિતીની ખરાઈ કરવાની સતાઓ ફક્ત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટક્લાસને જ હતી.

ત્યારબાદ, સરકારે સુધારો દાખલ કર્યો. સુધારેલી કલમ 13(3)માં એવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે કે, કોઈ પણ જન્મ કે મૃત્યુ કે જેની માહિતી એક વર્ષ બાદ એટલે કે મોડી રજિસ્ટ્રારને આપવામાં આવી હોય તે ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલ આદેશ પર જ નોંધણી કરવામાં આવશે.
