Mysamachar.in-અમદાવાદ:
સરકારી નોકરી મેળવવા માટે લોકો બધાં જ પ્રકારના કુંડાળાઓ અજમાવી લેતાં હોય છે. જે પૈકી ઘણાં લોકો સફળ થઈ જાય છે. જો કે કેટલાંક છીંડે ચડી જાય તે ‘ચોર’ તરીકે કુખ્યાત થઈ જાય. પરંતુ એક પરિવાર એવો છે જેના 3 સભ્યોએ ‘છેતરપિંડીઓ’ આચરી સરકારી નોકરીઓ મેળવી લીધી. જો કે આ રસપ્રદ મામલો એક અલગ કારણથી હવે બહાર આવી ગયો. અને, આ પરિવાર પોલીસચોપડે ચઢી ગયો છે.
સાબરકાંઠાના વિજયનગરમાં રહેતાં એક પરિવારનો એક પુરૂષ રેલવે પોલીસમાં છે, 20 વર્ષથી નોકરી કરે છે. આ કોન્સ્ટેબલનું નામ નરસિંહ ગુલાબસિંહ સોલંકી. તેના નાના ભાઈનું નામ હિંમતસિંહ. તે ગાંધીનગરમાં 15 વર્ષથી CRPF જવાન તરીકે નોકરી કરી રહ્યો છે. આ બંને ભાઈની બહેનનું નામ સુમિત્રા, તેણી 8 વર્ષથી અમદાવાદ શહેર પોલીસમાં ‘લોકરક્ષક’ છે.

આ ત્રણેય ભાંડરડાની ઉંમર હાલ 40 આસપાસ છે. આ ત્રણેયે આ નોકરી મેળવતી વખતે આપેલા જાતિ પ્રમાણપત્રમાં પોતાને ‘હિન્દુ ડુંગરી ગરાસિયા’ લખાવેલું છે. ગુજરાતમાં આ કેટેગરી અનુસૂચિત જનજાતિ (આદિવાસી) કેટેગરીમાં છે. કોઈએ કોઈ રીતે આ ‘પરિવાર’ ની ખરી જાતિ અંગે તંત્રના કાનમાં કશુંક કહ્યું. પછી, એક અરજી થઈ. પછી પોલીસ તપાસ થઈ.
પોલીસ તપાસના ભાગરૂપે અન્ય સરકારી વિભાગે પણ ઝીણવટથી આ ત્રણેયના જાતિ પ્રમાણપત્રની ચકાસણીઓ કરી. આ એજન્સીનું નામ ડિવિઝનલ કાસ્ટ વેરિફિકેશન કમિટી, ગાંધીનગર. યશવંત બારોટ નામના તપાસનીશ અધિકારી કહે છે: આ જાતિ પ્રમાણપત્રો ‘ખોટી’ રીતે મેળવવામાં આવ્યા. તપાસમાં જાણવા મળેલ છે કે, આ પ્રકારના પ્રમાણપત્ર સરકારે દાયકાઓ અગાઉ ‘રદ્દ’ કરી દીધાં છે. જે રજૂ કરી, આ ત્રણેય ભાઈબહેને સરકારી નોકરીઓ મેળવી લીધી હતી. પોલીસમાં આ ત્રણેય વિરુદ્ધ બનાવટી દસ્તાવેજનો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત FIR માં ગુજરાત અનુસૂચિત જાતિ-જનજાતિ અને અન્ય પછાત વર્ગ એક્ટ, 2018ની કલમ પણ લગાડવામાં આવી છે. આ મામલો સમગ્ર રાજ્યમાં ગાજયો છે.
