Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ ભૂતકાળમાં જ્યારે પણ કચરા સંબંધિત ‘મોટા’ કોન્ટ્રાક્ટની શરૂઆત કરી ત્યારે ચોઘડિયું કયુ ચાલતું હતું તે અંગે બહુ ધ્યાન ન આપ્યું કે અન્ય કોઈ કારણસર પણ વાત એવી છે કે, વર્ષોથી શહેરમાં કચરા મામલે કમઠાણ જ ચાલતું રહે છે. ફરી એક વખત નવું કમઠાણ શરૂ થયાનું વિશ્વાસપાત્ર વર્તુળ જણાવે છે.
સંભવત: આગામી ડિસેમ્બર આસપાસ જામનગર મનપાના ૬૪ કોર્પોરેટરોની ચુંટણી યોજાવાની છે. તે પહેલાં જામનગરના સાત લાખ નાગરિકો માટે નવા સમાચાર એ છે કે નાગરિકો જે કચરા ગંદકીથી ત્રાસી ગયા છે તે કચરા ગંદકીની સ્થિતિ સુધરી શકશે કે નહી તે શંકા છે કેમ કે હાલ જે કોન્ટ્રાક્ટરો ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાનું કામ જામનગર કોર્પોરેશનની સોલિડ વેસ્ટ શાખા હસ્તક કરે છે તેની પાંચ વર્ષની મુદત પુરી થઇ ગઇ હોય આ કામ હવે ફરી બે અલગ અલગ પાર્ટીને દસ વર્ષનો એકી સાથે કોન્ટ્રાક્ટ આપવાની ગોઠવણ ચાલી રહી છે. પણ ક્યાંક કંઈક રંધાઈ અને ગંધાઈ રહ્યું છે તેવું લાગતા ગત સ્ટેન્ડીગ કમિટી બાદ આ નવા ટેન્ડર એટલે કે ડોર ટુ કચરા એકત્ર કરવાના કામ અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન અધિકારીઓની હાજરીમાં યોજવામાં આવ્યું… જેમાં શહેર ભાજપ અધ્યક્ષ પણ હાજર હતા આ પ્રેઝન્ટેશન વખતે સ્ટેન્ડિંગ કમિટીના અમુક સભ્યો આ અંગે ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરી પ્રેઝન્ટેશનમાં પહોંચ્યા હતાં, તેમણે આ પ્રોજેક્ટને લઈને એવો તો સવાલોનો મારો ચલાવ્યો કે જવાબ આપનારા એસીમાં પણ પરસેવે નીતરી ગયા હતા.! એવું લાગે છે કે આ અંગે કંઈક વિચારવું પડે અને કોર્પોરેશનનું આર્થિક હિત પણ જોવું પડે તેવો સૂર વ્યક્ત થતાં આ મામલે કોઈ પરિવર્તન આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

સતાપક્ષ ભાજપના જ સભ્યોએ આ નવું ટેન્ડર જે કદાચ મનપાના ઈતિહાસનું સૌથી મોટું ટેન્ડર છે તેનો જોરદાર અને અભ્યાસુ તર્ક પ્રેઝન્ટેશન દરમિયાન રજુ કર્યા જેને ધ્યાને લઈને આ પ્રોજેક્ટ દસ વર્ષ માટે આપવો કેવી રીતે, તેના પર સવાલો ઉભા થયા છે, અને જે તખ્તો ગોઠવવામાં આવ્યો હતો તે આવનાર સ્ટેન્ડિંગ કમિટીમાં તૂટી જશે એટલે કે આ અંગે ફેર વિચારણા થશે કે જેમ નક્કી કર્યું છે તેમ મંજુર થઈ જશે તે બાબતે સૌની નજર છે. એમ સંભળાઈ રહ્યું છે કે, આ આખો મામલો યથાવત્ રાખવા, ફેરફાર ન કરવા શાસકપક્ષે વધુ સારૂં ‘સંકલન’ ગોઠવવું પડશે. બીજી તરફ વિપક્ષ પણ શું સ્ટેન્ડ લેશે, તે અત્યારે કેમ કહી શકાય ??
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવા માટે કોન્ટ્રાક્ટ પાંચ નહી પણ દસ વર્ષ માટે આપવાનો છે જેની ખુદ શાસક પક્ષના જાણકારો જ આકરી અને સચોટ દેખાતી ટીકા કરી રહ્યા હોય, આ કરોડો રૂપિયાનો ખર્ચ મંજુર કરવા પાછળનો ઇરાદો દેખીતી રીતે સ્પષ્ટ દેખાતો ન હોય આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગેની દરખાસ્ત સંબંધે શું નિર્ણયો લેવાશે તેના પર સૌની નજર છે.(file image)