Mysamachar.in-સુરત:
યુવકો અને પ્રૌઢ યુવતિઓ અને સગીરાઓને ઉપાડી જતાં હોય એવા અનેક કિસ્સાઓ વચ્ચે એક કિસ્સો એવો જાહેર થયો કે, 23 વર્ષની એક શિક્ષિકા પોતાના 11 વર્ષના એક વિદ્યાર્થીને લઈ ક્યાંક જતી રહી છે. શિક્ષિકા અને તરૂણના માબાપો પોતપોતાની રીતે, પોલીસ સ્ટેશને અલગઅલગ પહોંચી ગયા અને ગૂમનોંધ દાખલ કરાવી છે.
આ મામલો સુરતના પૂણા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બન્યો છે. ગૂમનોંધના આધારે તપાસ ચલાવતી પૂણા પોલીસ કહે છે, કેટલાંક CCTV ફૂટેજના આધારે જાણમાં આવ્યું છે કે, આ શિક્ષિકા બેગ લઈ રેલ્વે સ્ટેશન પહોંચી હતી. જો કે બનાવના આગલા દિવસે પણ તેણી બેગ લઈ આ રીતે ગઈ હતી એવા પણ CCTV ફૂટેજ છે. એમ પણ બહાર આવ્યું કે, રેલવે સ્ટેશન પહોંચી ગયા બાદ આ શિક્ષિકાએ પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.
પોલીસ કહે છે: એવું બની શકે કે, આ શિક્ષિકા તરૂણને ઉત્તર ગુજરાત તરફ લઈ ગઈ હોય. અત્રે ઉલ્લેખનિય છે કે, આ શિક્ષિકા 3 વર્ષથી આ તરૂણને પોતાના ઘરે ટયૂશન આપતી. ટયૂશનમાં અન્ય તરૂણ તરૂણી ન હતાં. આ એક જ તરૂણને ટયૂશન આપવામાં આવતું. આ શિક્ષિકા અને તરૂણ ગૂમ થયા છે એવું એમના બંનેના પરિવારજનોને જાણમાં આવ્યા બાદ, બંને પરિવારોએ પોતપોતાની રીતે પોલીસ સ્ટેશનમાં ગૂમનોંધ દાખલ કરાવી છે. પોલીસને તપાસ દરમિયાન એમ પણ જાણવા મળેલું છે કે, આ શિક્ષિકાએ કોઈ ખાનગી ટૂર ઓપરેટર હસ્તક રેલવેની ટિકિટ બુક કરાવી હતી. આ બનાવે પૂણા વિસ્તાર સહિત સુરત શહેરમાં ભારે ચકચાર મચાવી છે.(symboilic image)
