Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજકોટ ખાતે રહેતા 64 વર્ષના એક વૃદ્ધ સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી, 27 વર્ષીય એક યુવતી દ્વારા દ્વારકા નજીક હનીટ્રેપનો શિકાર બનાવી અને રૂપિયા 1 કરોડ 20 લાખની રકમ મેળવી લીધાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં યુવતી ઉપરાંત તેના કથિત ભાઈ અને બે પોલીસ કર્મચારીની ઓળખ આપેલા શખ્સો સહિત આ ચીટીંગમાં કુલ ચાર સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે રાજકોટ રહેતા નરેશભાઈ સોરઠીયા નામના 64 વર્ષના એક વૃદ્ધ સાથે તેમના વોટ્સએપ મારફતે 27 વર્ષની એક યુવતી થોડા દિવસો પૂર્વે સંપર્કમાં આવી હતી. નિકિતા નામની છોકરીએ નરેશભાઈ સાથે અવારનવાર વાતચીત કરી તેમની સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું. આ પછી ગત તારીખ 23 મી ના રોજ નરેશ સોરઠીયા તથા નિકિતા જામનગર મળવા જતા તેઓ રાજકોટ-જામનગર માર્ગ પર આવેલી એક હોટલ ખાતે રોકાયા હતા. જ્યાં નરેશભાઈએ નિકિતાનું આધારકાર્ડ જોતા તેનું નામ આરશુ સિંઘ અને હોવાનું અને તેણી વડોદરા ખાતે રહેતી હોવાનું જણાવ્યું હતું. નિકિતાએ તેણીનું સાચું નામ આરશુ સિંઘ છે અને તેને બધા નિકિતા કરીને બોલાવે છે તેમ જણાવ્યું હતું.
આરશુ અને નરેશભાઈ વચ્ચે સંપર્ક આગળ વધતા તેઓએ દ્વારકાધીશ મંદિરે દર્શન કરીને પોતાના સંબંધની શરૂઆત કરવા જણાવ્યું હતું. આ પછી નરેશભાઈ અને આરશુ ગત તારીખ 24 મી ના રોજ રાજકોટથી દ્વારકા માટે તેમની મર્સિડીઝ કાર લઈને નીકળ્યા હતા. તેઓ દ્વારકા નજીક ઓખા મઢી ખાતે આવેલા ટોલ ગેઈટ પાસેથી પસાર થયા બાદ માર્ગમાં નંબર પ્લેટ વગરની એક સ્વિફ્ટ મોટરકારના ચાલકે તેમને ઓવરટેક કરી અને નરેશભાઈની ગાડી થોભાવી હતી. સ્વીફ્ટ કારમાંથી પોલીસના પહેરવેશ સાથે નીકળેલા બે યુવાનોએ મર્સિડિઝ કારનું ચેકિંગ કર્યું હતું. અહીં રહેલા એક યુવાને પોતાનું નામ સંજય કરંગીયા જણાવ્યું હતું અને તે જામનગર પોલીસમાં હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હોવાનું કહ્યું હતું. પોલીસકર્મીનો યુનિફોર્મ પહેરેલા બીજા યુવાનની નેમ પ્લેટના એસ.જે. સોલંકી લખ્યું હતું.
આ પછી પોલીસની તપાસમાં નિકિતાના બેગમાંથી સફેદ કલરના પાવડરની પડીકી નીકળતા યુવાનોએ કહ્યું હતું કે આ તો ડ્રગ્સ છે, ચાલો પોલીસ સ્ટેશનને. જેથી નિકિતાએ નરેશભાઈને નિર્દોષ ગણાવી અને આ પડીકી પોતાની હોવાનું કહ્યું હતું. અહીં રહેલા પોલીસે તેઓએ દેશદ્રોહનો ગુનો કર્યો હોવાનું કહી અને દાટી મારી હતી. આ પછી તેઓએ સમાધાન માટે રૂપિયા 10 કરોડની માંગણી કરી હતી અને રૂપિયા બે કરોડમાં આ પ્રકરણની પતાવટ કરી હતી.

નરેશભાઈએ ફોનમાં તેમના પુત્રને સઘળી બાબત જણાવી અને પૈસા મોકલવાનું કહેતા તેમણે પી.એમ. આંગડિયા પેઢી મારફતે રૂપિયા 1.20 કરોડ મોકલી આપ્યા હતા. ત્યાર બાદ ઉપરોક્ત બંને પોલીસ કર્મીઓ રોકડ રકમ લઈને નાસી છૂટ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં નરેશભાઈના પુત્રને નિકિતાની સંડોવણી હોવાની ગંધ આવી જતા નરેશભાઈને નિકિતા સાથે જ રહેવાનું જણાવ્યું હતું. પરંતુ નિકિતાએ આ વાત જાણી લઈ અને તેણીએ નરેશભાઈ ઉપર બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી અને પોતાના ભાઈ પર્વતભાઈ ફોજમાં છે તેમ જણાવી કોઈ યુવાન સાથે વાત કરાવી હતી. સામેથી છેડેથી બોલતા કથિત રીતે પર્વતભાઈ નામના શખ્સએ મહેશભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ નિકિતા કારનો દરવાજો ખોલીને ચાલુ વાહને નાસી છૂટી હતી.
આ સમગ્ર ઘટનાથી વ્યથિત અને હતપ્રભ બની ગયેલા રાજકોટના નરેશ સોરઠીયા તેમની કાર મારફતે જામનગર તરફ જવા નીકળતા ખંભાળિયા નજીકના ટોલ ગેઈટ પાસે એલસીબી સ્ટાફે તેમની કાર અટકાવીને પૂછપરછ કરતા નરેશભાઈએ આખા બનાવની આપવીતી પોલીસ સમક્ષ વર્ણવી હતી. આમ, નિકિતાએ તેમની સાથે સંબંધ શરૂ કરવાનું કહી, ઓખા મઢી ટોલ ગેઈટ નજીક પોલીસ ડ્રેસમાં આવેલા સંજય કરંગીયા અને એસ.જે. સોલંકી નામના બે શખ્સોએ સફેદ પાવડરની પડીકી કાઢી અને દેશદ્રોહનો ગુનો કરી, અંતે સેટિંગ બાદ 1 કરોડ 20 લાખની રકમ મેળવી લઈ અને આ પ્રકરણમાં આરસુ સિંઘ ઉર્ફે નિકિતા, સંજય કરંગીયા એસ.જે. સોલંકી અને પર્વતભાઈ સામે વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટના વૃદ્ધને હનીટ્રેપનો શિકાર બનાવી, ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, બળજબરીપૂર્વક રૂપિયા 1.20 કરોડની રકમ મેળવી લેવાના આ સમગ્ર બનાવે ભારે ચર્ચા પ્રસરાવી છે.(symbolic image)