Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે ગતરાત્રે કોઈ કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી દૂર ભોપાલકા ગામે રહેતા દેવરામ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃધ્ધને ગત રાત્રે કોઈ શખ્સોએ બોથડ પદાર્થના બેફામ ઘા મારતાં તેમનું લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક પી.એસ.આઈ. તેમજ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડની ટીમ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ પ્રકરણમાં કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે હત્યારાને ઝડપી લેવા કલ્યાણપુર પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમ પણ જોડાય છે.બનાવના ચર્ચાતા કારણમાં તેમની વાડીમાં જીરુંનો ભાગ બળી જતા આ અંગે મૃતક દેવરામભાઈ સોનગરાને આરોપી શખ્સ ઉપર શંકા હતી કે આ પાક આરોપીએ ઝેરી દવા છાંટીને બાળી નાખ્યો હતો. તેના કારણે અણબનાવની અદાવતથી હત્યા નીપજાવવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.હત્યાના આ પ્રકરણમાં નજીકના કોઈ સંબંધી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. હત્યાના આ બનાવે નાના એવા ભોપલકા ગામમાં ભારે ચર્ચા પ્રસરાવી છે.