Mysamachar.in-જામનગર:
જામનગરના રણજિતનગર વિસ્તારમાં એક કુખ્યાત વેશ્યાગૃહ ઝડપાઈ ગયાનું જાહેર થયું પરંતુ આ ધંધો ‘મોબાઈલ’ હતો, એટલે કે મકાનમાં નહીં પણ વાહનમાં ચાલતો હતો એવું જાહેર થયું છે. આ કાંડમાં ઝડપાયેલા અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાના મકાનમાં પણ વૈભવી સુવિધાઓ હોવાનું હાલમાં બહાર આવ્યા બાદ જાહેર થયું છે કે, આ મકાનમાં બધાં જ ઈલેક્ટ્રોનિક તથા ઈલેક્ટ્રીક ઉપકરણો વીજચોરીથી ધમધમતા હતાં.
પીએસઆઇ આર.ડી.ગોહિલ અને વીજતંત્રના જૂનિયર ઈજનેર અશોકસિંહ જાડેજાની ટીમોએ રણજિતનગરમાં આ આરોપીના મકાનની ઝડતી-તપાસ કરી હતી જે દરમિયાન જાહેર થયું કે, આ મકાનમાં 6 AC, 3 ઓવન, 4 ગીઝર સહિતના ઈલેક્ટ્રીક સાધનો વીજચોરીથી ચાલતાં હતાં. અહીં 2 વીજમીટર એવા મળી આવ્યા છે જે સીલ માર્ક વિનાના છે. વીજતંત્રએ આ શખ્સને રૂ. 3 લાખનું વીજચોરી અંગેનું વીજપૂરવણી બિલ આપ્યું છે.
વીજતંત્રના ઈજનેરના જણાવ્યા અનુસાર, થોડા મહિનાઓ અગાઉ પંચેશ્વર ટાવર વિસ્તારના દુષ્કર્મના એક આરોપીને ત્યાં, પોલીસની યાદી મુજબ વીજજોડાણ તપાસવાની કામગીરીઓ કરવામાં આવી ત્યારથી આ રીતે જામનગર પોલીસ દ્વારા આપવામાં આવેલી અસામાજિક તત્ત્વોની યાદી પ્રમાણે, આવા સ્થળો પર વીજજોડાણ ચકાસણીઓ ચાલી રહી છે, જો કે સૌના અચરજ વચ્ચે ઘણાં અસામાજિક તત્ત્વો વીજબિલ નિયમિત ભરી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે