Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ગતરોજ બપોરે એક અતિ દુઃખદ ઘટના બનવા પામી છે જેની જાણ રાત્રીના સમયે પોલીસને થતા પોલીસ ટુકડીઓ સુમરા ગામ તરફ દોડી ગઈ હતી અને ભરવાડ પરિવારની એક મહિલા, કે જેણે પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામુહિક રીતે આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવતા જોતજોતામાં આ દુઃખદ ઘટનાની વાત વાયુવેગે આસપાસના વિસ્તારોમાં પ્રસરી જતા શોક ફેલાય ગયો હતો
આ બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની ૩૨ વર્ષની ભરવાડ મહિલાએ કહેવાય છે કે, ઘરકંકાસના કારણે પોતાના ગામના સ્મશાન પાસે આવેલ એક કૂવામાં પોતાના ૧૦ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીના ચાર સંતાનો જેમાં આયુષ (ઉંમર ૧૦) આજુ (ઉંમર વર્ષ ૮) આનંદી (ઉંમર વર્ષ ચાર) તેમજ ઋત્વિક (ઉંમર વર્ષ ત્રણ) વગેરેને સાથે લઈ ને કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લેતા ભરવાડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બનાવની જાણ થવાથી ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કઢાવ્યા હતા. જે બનાવ અંગે પોલીસને જાણકારી મળતાં ધ્રોલ પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.રાઠોડ સહિતની પોલીસ ટુકડી તાબડતોબ સુમરા ગામે પહોંચી ગઈ હતી, અને પાંચેય મૃતદેહોને મોડીરાત્રીના ધ્રોલ સરકારી હોસ્પિટલમાં પહોંચાડયા હતા, જયાં પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે ભરવાડ સમાજના આગેવાનો ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય મેઘજી ચાવડા રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી
આ અંગે જામનગર ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા કહ્યું કે આ મામલે હાલ અગમ્ય કારણોસર મોત થયાનું સામે આવ્યું છે પણ માતાએ તેના ચાર સંતાનો સાથે કેમ આવું પગલું ભર્યું તે અંગે અમારી ટીમ વિશેષ તપાસ કરી રહી છે.