Mysamachar.in-અમદાવાદ:રાજકોટ:
રાજ્યમાં ACB દ્વારા ધીમા પણ મક્કમ પગલે જુદાંજુદાં શહેરોમાં તપાસ કાર્યવાહીઓ અને છટકું ગોઠવવાની કામગીરીઓ આગળ વધી રહી છે. એક મામલો સૌરાષ્ટ્રનો છે અને એક કેસ ગુજરાતમાં નોંધાયો છે. રાજકોટ મહાનગરપાલિકાનો બાંધકામ શાખાનો નાયબ ઈજનેર અજય વેગડ ભૂતકાળમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હતો. તેના વિરૂદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ મામલે અરજી થયેલી. ACBએ આ અરજીની તપાસ કરી. વેગડની સંપત્તિઓ શોધી કાઢી છે.
અજય વેગડે પોતાની 10 વર્ષની નોકરી દરમિયાન કાયદેસરની આવક ઉપરાંતની રૂ. 75 લાખથી વધુની સંપત્તિઓ એકત્ર કરી છે એવું તપાસમાં બહાર આવતાં તેના વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. તેણે પોતાના નામે તથા પોતાના પરિવારના સભ્યોના નામે બેંકોમાં વધારાના રૂ. 65.97 લાખ જમા કરાવેલા છે.
ACBની અન્ય એક કામગીરી અમદાવાદમાં જાહેર થઈ છે. શરાબના એક કેસમાં આરોપીને પોલીસમાં ‘હાજર’ ન દેખાડવો તથા તેના વિરૂદ્ધ ‘પાસા’ ની કાર્યવાહીઓ ‘ન કરવી’- આ મામલામાં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રજનીશ હરિભાઈએ રૂ. 2 લાખની લાંચ માંગી હતી. આ રકમ કોન્સ્ટેબલ વતી વચેટિયા મિતુલ રાજેશ ગોહિલ ઉર્ફે મોન્ટુ નામના શખ્સે સ્વીકારી, ACB એ આ વચેટિયા પાસેથી લાંચની આ રકમ કબ્જે લીધી. વચેટિયાની ધરપકડ કરી અને તેના નિવેદનના આધારે ACB હવે આ કોન્સ્ટેબલને શોધી રહી છે.