Mysamachar.in-અમદાવાદ:
આજે વિશ્વ વન દિવસ. કરૂણતા એ છે કે, ગુજરાતમાં કુદરતની લીલીછમ ચાદરનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે, એટલું જ નહીં- આ રીતે ‘વિકાસ’ કરવામાં ગુજરાતનો દેશમાં પહેલો નંબર છે. ટ્રી કવર સૌથી વધુ ગુજરાતમાં ઘટી ગયું. આપણે ત્યાં ઉનાળો શા માટે વધુ આકરો હોય છે અને ચોમાસામાં અમુક વિસ્તારોમાં વરસાદ શા માટે ઘટે છે, એ મુદ્દો આ રીતે પણ સમજી શકાય.
દર વર્ષે લોકોમાં વન અને જંગલના સંરક્ષણ બાબતે જાગૃતિ વધે તે માટે 21મી માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. લોકોમાં જાગૃતિ વધી છે. રોપાઓનું લોકો વાવેતર કરી રહ્યા છે. તેથી વૃક્ષોની સંખ્યા વધી રહી છે. બીજી તરફ રસ્તાઓના તથા મોટી વીજલાઈનોના કામો માટે સરકારના વિવિધ વિભાગોએ મોટી સંખ્યામાં ઝાડવા કાપી નાંખવા પડે છે. આથી ટ્રી કવર ઘટી રહ્યું છે.
2000 થી 2024ના 20 વર્ષ દરમિયાન, રાજ્યમાં જંગલની 19,347 હેકટરથી વધુ જમીન પરના વૃક્ષોને ‘વિકાસ’ માટે કાપી નાંખવામાં આવ્યા. એ પૈકી 46 ટકા કાપકૂપ એટલે કે 8,895 હેક્ટર જમીન પરના વૃક્ષો રસ્તાઓના કામો માટે કાપવામાં આવ્યા. આ ઉપરાંત ઔદ્યોગિક એકમો તથા ટાઉનશિપના નિર્માણ માટે જંગલની 420 હેક્ટર જમીન સાફ કરી નાંખવામાં આવી.
ખુદ કેન્દ્ર સરકાર કહે છે: એક દાયકામાં ટ્રી કવર સૌથી વધુ ગુજરાતમાં ઘટી ગયું. 1,725 ચોરસ કિલોમીટર જમીન પર ટ્રી કવર ઘટી ગયું. ટ્રી કવરમાં 21 ટકાનો તોતિંગ ઘટાડો થયો છે. કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગના 2023ના ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટમાં આમ જણાવાયું છે. સિંચાઈના કામો માટે 539 હેક્ટર જમીન પરના વૃક્ષોનો ભોગ લેવાયો. કોઈ જમીનની ચારે તરફ પાણી ભરાઈ ગયું હોય અને તેને કારણે ત્યાં વૃક્ષોનો સફાયો થયો હોય એવી જમીન 939 હેક્ટર છે. 5,669 હેક્ટર જમીન પરના વૃક્ષ અન્ય કેટલાંક કારણોસર સાફ થયા.
2004 થી 2021ના આંકડા કહે છે, જંગલની જમીન પરના વૃક્ષો ઘટી જવાની પ્રોસેસ આ સતર વર્ષ દરમિયાન સતત વધી. કારણ કે વિકાસ પુષ્કળ થયો છે, ઝડપી બન્યો છે. વનવિભાગે 10 વર્ષ દરમિયાન રૂ. 366 કરોડની આવક ઈમારતી લાકડાના વેચાણથી મેળવી. અને, રૂ. 72 કરોડની આવક બળતણના લાકડા વેચીને મેળવી. અમુક રાજ્ય એવા પણ છે જ્યાં ટ્રી કવર ઘટી ગયું છે પરંતુ ટેક્નિકલ કારણોસર આ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.(પ્રતીકાત્મક તસ્વીર)