Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જમીનનો ધંધો હજારો લોકો માટે ધીકતો ધંધો છે એ તો સૌને ખબર જ છે પણ અચરજની વાત એ છે કે, આ મલાઈદાર ધંધામાં ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોની ખેતીની જમીનોની માપણી તથા રિસર્વે જેવી ‘સરકારી’ કામગીરીઓ મોટો અને મહત્વપૂર્ણ ભાગ ભજવી રહી હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. જેટગતિથી વિકાસ પામી રહેલાં યાત્રાધામ દ્વારકા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની અસરો વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી હોવાનું પણ સૂત્ર જણાવે છે.
યાત્રાધામ દ્વારકા છેલ્લા કેટલાંક વર્ષોથી તીવ્ર ગતિએ વિકસી રહ્યું છે. અહીં ધાર્મિક ટુરિઝમ ઉપરાંત ફરવાના સ્થળોનું પ્રવાસન ક્ષેત્ર જબરદસ્ત રીતે ડેવલપ થઈ રહ્યું છે. જેને કારણે જમીનોની બજારમાં લાલચોળ તેજી છે. આ તેજી ચોક્કસ લોકોને ‘વધુ’ ફાયદો કરાવી રહી છે. અને, જ્યાં વિકાસ અને વિકાસને કારણે તેજી હોય ત્યાં, કૌભાંડ ન થાય તો જ નવાઈ કહેવાય- એ થિયરી મુજબ દ્વારકા જિલ્લામાં પણ જમીનોના કૌભાંડ ધૂમ ચાલી રહ્યા છે, જેના કેન્દ્રમાં કેટલીક ‘સરકારી’ કામગીરીઓ છે !
ખેતીની જમીનોની માપણી અને તેમાં વિલંબ, અનિયમિતતાઓ, ગેરરીતિઓ તથા કૌભાંડ અને વિવાદો- ઘણાં સમયથી ચર્ચાઓમાં છે. દ્વારકા હોય કે જામનગર, રાજકોટ હોય કે અમદાવાદ- કાગડા બધે કાળા હોય છે. ગામોના નકશાઓમાં જમીનમાપણી, માપણીશીટ વગેરેમાં હેરાફેરી થતી રહેતી હોય છે. જેનો ગેરલાભ અમુક લોકો ઉઠાવી રહ્યા હોવાનું સૂત્ર જણાવે છે.
આ બાબતે આજે સવારે Mysamachar.in દ્વારા ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો અને એમની પાસેથી રેકર્ડ પરની વિગતો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એમના જણાવ્યા અનુસાર, જમીનમાપણી પ્રક્રિયાઓ દરમિયાન પ્રમોલગેશનની જે કામગીરીઓ થઈ રહી છે, તેમાં દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં એક પણ સર્વે નંબર નિયમ અનુસાર નથી !
આ ઉપરાંત એમણે જણાવ્યું કે, જમીનમાપણીના વિવાદો સંબંધે એકલા દ્વારકા જિલ્લામાં જાન્યુઆરીની સ્થિતિએ આશરે 15-17 હજાર વાંધાઅરજીઓ તંત્રમાં ઉકેલાયા વિનાની પડી છે. આ ઉપરાંત એમણે એમ પણ જણાવ્યું કે, સરકારી ખરાબાઓના સર્વે નંબર, નકશા અને તેની બાજુમાં આવેલ વાડીખેતરોના સર્વે નંબર અને તેના નકશામાં પણ કંઈક રંધાઈ રહ્યું છે.
આ સમગ્ર બાબતો સાથે સંકળાયેલા અન્ય એક જાણકાર કહે છે: ધારો કે એક સરકારી ખરાબો રોડથી નજીક છે, એ ખરાબા પછી કોઈની વાડી કે ખેતર છે. ગામના નકશામાં ખરાબાને પાછળ મૂકી, વાડીખેતરને રોડટચ ‘દેખાડી’ દેવામાં આવે તો, રૂ. 2 લાખનો વીઘો વેચાતી જમીન રૂ. 20 લાખનો વીઘો તરીકે પણ વેચાણ કરી શકાય ! આવા ખેલ ‘નકશા’ બનાવતી વખતે શક્ય છે. આ ઉપરાંત વાડીખેતરો નજીકના ગાડામાર્ગ સંબંધે પણ ઘણું ચાલે છે. વિવાદો પણ થઈ રહ્યા છે. અને, આ બધી બાબતોમાં ગામનો નકશો મુખ્ય પુરાવો હોય, જમીનમાપણી પ્રક્રિયાઓમાં આ લેવલે ખેલ પડી રહ્યા છે. હજારો વાંધાઅરજીઓ લોકો દ્વારા અમથી નથી થતી, નકશાઓ પર ‘ખેલ’ ચીતરવામાં આવી રહ્યા છે. આવા ખેલ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને અમદાવાદ સહિત બધે જ ધમધોકાર ચાલી રહ્યા હોવાનું જાણકારો કહી રહ્યા છે.(symbolic image)