Mysamachar.in-
સમગ્ર દેશમાં ડ્રગ્સ ઝડપાઈ જવાના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે, વચ્ચે તો અમુક સમય આવા ઓપરેશન ઉપરાઉપરી થતાં. હમણાં થોડા સમયથી આ ખબરોમાં ટાઢક છે. ડ્રગ્સનો કારોબાર બંધ થઈ ગયો ?! લોકો એવા પણ પ્રશ્નો પૂછી રહ્યા છે. NCBના આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022 દરમિયાન ડ્રગ્સના કુલ 516 કેસ દાખલ થયા હતાં. એ પછીના વર્ષે 2023માં 604 કેસ અને ગત્ વર્ષે 2024માં ડ્રગ્સના 623 કેસ દાખલ થયા. સામાન્ય રીતે ડ્રગ્સ ટ્રાફિકીંગ મામલાઓમાં સંખ્યાબંધ આરોપીઓ ઝડપાઈ જતાં હોય છે, પરંતુ એ પછી આ આરોપીઓ પૈકી બહુ ઓછા આરોપીઓ ‘દોષિત’ સાબિત થઈ શકતા હોય છે.
વર્ષ 2022માં 2 આરોપીઓ દોષિત સાબિત કરી શકાયા હતાં. ત્યારબાદ વર્ષ 2023માં 11 આરોપીઓ દોષિત પૂરવાર થયા. વર્ષ 2024માં દોષિત સાબિત થયેલાં આરોપીઓની સંખ્યા 5 જાહેર થઈ છે. ડ્રગ્સ અને આરોપીઓ ઝડપાઈ ગયાની ખબરો વહેતી થતી હોય ત્યારે, મોટી હો હા મચી જતી હોય છે. પરંતુ ડ્રગ્સ ટ્રાફિકીંગના કેસમાં ઝડપાયેલા આરોપીઓને દોષિત સાબિત કરવાની પ્રોસેસમાં તંત્રોને ખાસ કોઈ સફળતા મળતી હોય, એવું આંકડામાં દેખાતું નથી.

સરકારનો દાવો એવો છે કે, ડ્રગ્સ ટ્રાફિકીંગ પર અંકુશ મેળવવા નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટરની વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેના દ્વારા કેન્દ્ર અને રાજ્યોની સરકારોની વિવિધ એજન્સીઓ દ્વારા જુદાજુદા પ્રકારના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ જપ્તીઓ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડાયરેક્ટરના વડપણ હેઠળ જોઈન્ટ કો-ઓર્ડિનેશન કમિટી બનાવવામાં આવી છે.(symbolic image)