Mysamachar.in-ગુજરાત:
જામનગર હોય કે જલંધર, મોરબી હોય કે મુંબઈ- સર્વત્ર એક બાબત કોમન છે, કાયમી કર્મચારીઓને બખ્ખાં છે અને તેમના જેટલું જ કામ કરતાં હંગામી કે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનું કોઈ નથી. અસંખ્ય વખત રજૂઆતો થતી રહે છે કે, હંગામી કર્મચારીઓનું ભયાનક શોષણ થઈ રહ્યું છે, તેમને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે-વગેરે..વગેરે. પરંતુ સામે હકીકત એ પણ છે કે, આ પ્રકારની તમામ રજૂઆત કચરાપેટીમાં પધરાવી દેવામાં આવે છે. સમાન કામ, સમાન વેતનની વાતનો પણ ઉલાળિયો કરવામાં આવે છે. આ સ્થિતિઓ વચ્ચે સુપ્રિમ કોર્ટ દ્વારા એક મામલામાં મહત્વપૂર્ણ અવલોકન કરવામાં આવ્યા છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા આ મામલામાં કહેવાયું છે કે, ભારતીય શ્રમ કાયદો કાયમી કામ હોય ત્યાં કોન્ટ્રાક્ટ પદ્ધતિની તરફેણ નથી કરતો. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું કે, કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ શોષણ કરવા, કર્મચારીઓને લાભોથી વંચિત રાખવા ન કરી શકાય. કામચલાઉ ભરતીમાં લેવાયેલા શ્રમિકો વર્ષો સુધી સેવાઓ આપે છે, તેમનું યોગદાન કાયમી કર્મચારીઓ કરતાં ઓછું કેમ આંકી શકાય ?

કર્મચારીઓ અને મજૂરોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે તે અંગે સુપ્રિમ કોર્ટે એક ચુકાદો આપ્યો. આ સમયે કોર્ટે કોન્ટ્રાક્ટ પ્રથાના દુરુપયોગની ટીકા પણ કરી. કોર્ટે કહ્યું: શ્રમિકો વર્ષો સુધી કોન્ટ્રાક્ટ પર કામ કરતાં રહે છે, તેમને એક કાયમી શ્રમિકના લાભોથી વંચિત રાખવામાં આવે છે- આ બાબત ચલાવી ન લેવાય. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટતા કરી કે, જો કોઈ કર્મચારી કે શ્રમિકની નિમણૂંક હંગામી હોય અને વર્ષો સુધી તેણે સેવાઓ આપી હોય તો, તેને પણ એક કાયમી કર્મચારી જેટલાં જ અધિકારો મળે છે. કોર્ટે એવી પણ ટકોર કરી કે, અમારાં અગાઉના ચુકાદાઓની આડ લઈને કર્મચારીઓને તેના અધિકારોથી વંચિત ન રાખી શકો.
કેટલાંક નગરપાલિકા શ્રમિકો ન્યાય માટે 25 વર્ષ સુધી લડ્યા. આ શ્રમિકો લેબર કોર્ટથી માંડી હાઈકોર્ટ સુધી લડ્યા અને બાદમાં આ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો. આખરે સુપ્રિમ કોર્ટે આ કેસમાં આ શ્રમિકોને ન્યાય આપ્યો. આ હંગામી કર્મચારીઓ ન્યાય માટે અદાલતમાં ગયા ત્યારે ગાઝિયાબાદ, ઉત્તરપ્રદેશની આ નગરપાલિકાએ આ શ્રમિકોને મૌખિક આદેશ આપી નોકરી પરથી ઉતારી મૂક્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મામલામાં સ્થાનિક લેબર કોર્ટ દ્વારા વિરોધાભાસી ચુકાદો આપવામાં આવેલો. આખરે સુપ્રિમ કોર્ટમાં ન્યાય થયો.
સૌ જાણે છે તેમ હાલમાં બધાં જ સરકારી વિભાગો અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની સંખ્યા તોતિંગ છે, આ કર્મચારીઓનું શોષણ પણ થઈ રહ્યું છે. કર્મચારીઓ આંદોલન પણ કરે છે. સત્તાવાળાઓ આ આંદોલનને ગણકારતા નથી, આ સ્થિતિઓ વચ્ચે આ ચુકાદો મહત્વપૂર્ણ લેખાવી શકાય. શ્રમિકો વર્ષો સુધી સેવાઓ આપતાં હોય, તેવી સ્થિતિઓમાં યોગ્ય કોન્ટ્રાક્ટ કરારના દસ્તાવેજ ન હોય તો પણ, શ્રમિકોને મળનારા લાભોથી વંચિત ન રાખી શકો એમ પણ ઉપરોકત ચુકાદામાં સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે.
