Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ ડીસીબી (ડીટેકશન ઓફ ક્રાઈમ બ્રાંચ) એ સહદેવ ખોખ્ખર નામના આ શખ્સની ધરપકડ કરી. આ શખ્સ એક્સિસ બેંકનો કર્મચારી છે. એક સાયબર ફ્રોડમાં આ શખ્સની સામેલગીરી રેકર્ડ પર ઝડપાઈ ગઈ. આ શખ્સ એક હેકર્સ ગેંગને મદદ કરતો હોવાનું બેંકના રેકર્ડ પરથી સાબિત થઈ ગયું.
સહદેવ નામનો આ શખ્સ બેંકમાં ડેપ્યુટી મેનેજરનો હોદ્દો ભોગવે છે. કેટલાંક લોકો ‘રમી સર્કલ’ નામનો ઓનલાઈન જૂગાર રમી રહ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, રમી સર્કલ ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ છે. અસંખ્ય લોકો આ પ્લેટફોર્મ પર જૂગાર રમે છે. સહદેવ નામનો આ બેંક કર્મચારી બેંકના કોમ્પ્યુટરનો દુરુપયોગ કરી, યુનિક આલ્ફાન્યૂમરિક બેંકિંગ કોડ્સ ચોરી લેતો હતો. આ કોડ્સ તે હેકર્સની ગેંગને આપી દેતો હતો. હેકર્સ આ કોડ્સની મદદથી ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ પર જૂગાર રમી રહેલાં લોકોના બેંક એકાઉન્ટમાંથી નાણાં સેરવી લેતાં હતાં, એવું ડીસીબી ની તપાસમાં બહાર આવતાં પોલીસે સહદેવ ખોખ્ખરની ધરપકડ કરી. આ શખ્સ હાલ બે દિવસના રિમાન્ડ પર છે.
પોલીસ કહે છે: આ શખ્સે હેકર્સ ગેંગને અત્યાર સુધીમાં 40-50 જેટલાં યુનિક આલ્ફાન્યૂમરિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ કોડ્સ ગેંગને આપી દીધાં છે. આ કોડ્સની મદદથી હેકર્સ બેંક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા સેરવી શકે છે. આ કામના બદલામાં હેકર્સ ગેંગના મુખ્ય આરોપી વિજય અમર વાઘેલાએ સહદેવના એકાઉન્ટમાં રૂ. 2 લાખ કમિશન તરીકે જમા કરાવ્યા છે. આ પ્રકારની ગેંગ કમિશનની લાલચ આપી બેંક કર્મચારીઓને ફોડી લેતાં હોય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ એવું પણ બહાર આવેલું કે, અમુક હેકર્સ ભૂતકાળમાં ગેરકાયદેસર રીતે નફો ઘરભેગો કરવા PNG જ્વેલર્સ અને robu.in ની વેબસાઈટ પણ હેક કરી ચૂક્યા છે. અમદાવાદના આ રમી સર્કલ પ્રકરણમાં આ અગાઉ કોટક મહિન્દ્રા બેંક અને બંધન બેંકના 1-1 કર્મચારીની પણ પૂછપરછ થયેલી. જો કે એમની ધરપકડ થઈ નથી.