Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેરમાં રહેતા એક યુવાનને ચીટર ટોળકીએ હની ટ્રેપનો શિકાર બનાવી અને નોંધપાત્ર રકમ ખંખેરી લેતા આ પ્રકરણમાં સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા એક યુવાનને ખંભાળિયાની હીના નામની એક યુવતી સાથે સંપર્ક થયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત જેવો વ્યવહાર વધતા અને આ પછી યુવતીએ યુવાનને પ્રેમ જાળમાં ફસાવી અને શરીર સંબંધ બાંધવા સહિતની બાબતે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ સાથે તેની પાસેથી સમયાંતરે પૈસાની માંગણી કરાઈ હતી. જેથી ભોગ બનેલા યુવાને ટુકડે ટુકડે કુલ રૂપિયા 1,13,500 ની રકમ યુવતી તેમ જ તેની સાથેના મળતિયાઓને ચૂકવી હતી.
આ પછી સમગ્ર ઘટના સંદર્ભે યુવાને ખંભાળિયા પોલીસ નો સંપર્ક સાધી, અને આપવીતી વર્ણવતા આ પ્રકરણમાં ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની ટીમ દ્વારા સઘન કામગીરી કરીને આ પ્રકરણમાં સંડોવાયેલા હનીફશા સલીમશા શાહમદાર, વિશાલ સીદુ માયાણી અને દિલીપસિંહ જીતુભા વાઢેર નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.(ફોટો: કુંજન રાડિયા)